તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 1500 Women Treated And Cared For The Patients In A Year, Even After Being Positive In The Corona Department Of Sayaji Hospital In Vadodara

કોરોના કાળની વીરાંગનાઓ:વડોદરામાં સયાજી હોસ્પિટલના કોરોના વિભાગમાં 1 વર્ષમાં 1500 મહિલા વોરિયર્સે દર્દીઓની સારવાર અને સંભાળની સેવા આપી, પોઝિટિવ થયા પછી પણ સેવા ન છોડી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફિઝિયોથેરાપી વિભાગના ડો.નીરજા ભટ્ટ અને મેડિસિન વિભાગના હેડ ડો. જયા પાઠક - Divya Bhaskar
ફિઝિયોથેરાપી વિભાગના ડો.નીરજા ભટ્ટ અને મેડિસિન વિભાગના હેડ ડો. જયા પાઠક
  • જ્યારે ભયના લીધે મરદ મૂછાળાઓને પરસેવો છૂટી જાય એવું વાતાવરણ હતું, ત્યારે કોરોના સામે મોરચો માંડવામાં વીરાંગનાઓ મોખરે રહી
  • પુરુષ આરોગ્ય સેવકો સાથે ખભેખભા મિલાવી કોરોના સંકટમાં મહિલા આરોગ્ય સેવકોએ કામ કર્યું
  • તબીબોથી લઇને સફાઇ સેવિકા સુધીની મહિલા આરોગ્ય સેવિકાઓએ ખચકાટ વિના કોરોના પીડિતો માટે કામ કર્યું: વહીવટી નોડલ અધિકારી

કોરોના મહામારીનો સમયગાળો માનવ ઇતિહાસના સૌથી કપરા કાળ પૈકીનો એક છે. આ અજાણ્યા આરોગ્ય શત્રુના આગમનથી ભયનું એવું તો વાતાવરણ સર્જાયું હતું કે, એનું નામ પડતાં જ ભલભલા મરદ મુંછાળાઓ ને પરસેવો છૂટી જતો. તેવા સમયે વડોદરાની સયાજી હોસ્પિટલના કોરોના સારવાર વિભાગમાં આ કોરોના સામે મોરચો માંડવામાં વીરાંગના મહિલા આરોગ્ય સેવિકાઓ પુરુષ આરોગ્ય સેવકો સાથે જરાય પાછીપાની કર્યાં વિના ખભેખભો મિલાવીને મોખરે રહી હતી. ઘડિયાળ સામે જોયા વગર અને પોતાની કે પરિવારની ચિંતા કર્યા વગર સતત કાર્યરત રહી હતી.

કોરોના કાળમાં 200થી વધુ મહિલાઓ સતત આરોગ્યની સેવા આપતી હતી
એટલે જ સયાજી હોસ્પિટલના કોરોના સારવાર વિભાગના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી. કહે છે કે, જ્યારે કોરોના પિક પર હતો. સતત કેસો આવતા હતા, સારવાર લાંબી ચાલતી એ સમયગાળામાં કોરોના વિભાગમાં રાત કે દિવસના કોઈપણ સમયે તબીબથી લઈને સફાઈ સેવિકાઓ અને સુરક્ષા ગાર્ડ સુધીની શ્રેણીઓમાં 200થી વધુ મહિલાઓ આરોગ્યની સેવા આપતી હતી.

1500થી વધુ મહિલાઓએ દર્દીઓની સારવાર અને સંભાળમાં યોગદાન આપ્યું
તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર કોવિડ કાળ દરમિયાન 1500થી વધુ મહિલાઓએ કોરોનાના દર્દીઓની સારવાર અને સંભાળમાં યોગદાન આપ્યું છે. પુરુષ કર્મચારીઓ જેટલા જ ખંત અને નીડરતા દાખવીને યોગદાન આપ્યું છે. બલ્કે હજુ પણ આપી રહી છે. કોવિડ વ્યવસ્થાપનમાં મહિલાઓના યોગદાનનું એક ઉજ્જવળ પ્રકરણ જાણે કે સયાજી હોસ્પિટલમાં આલેખાયું છે.

સારવાર કરતી વખતે હું પોતે પણ કોરોના પોઝિટિવ થઈ હતી
આ વીરાંગનાઓ પૈકી એક છે ડો. જયા પાઠક, તેમણે કોરોના જ્યારે ટોચ પર હતો અને કેવી રીતે તેનો ઉપચાર કરવો એની વિમાસણ હતી, ત્યારે તેમણે અનેક તણાવો અને નીત નવા પડકારોથી ભરેલા વાતાવરણમાં તબીબી નોડલ અધિકારી તરીકે એકથી વધુ વાર સેવા આપી હતી. લગભગ છેલ્લા 10 મહિનાથી કોરોના વિભાગમાં મારું કામ ચાલુ જ છે એવી જાણકારી આપતાં ડોકટર જયાબહેન કહે છે કે, બીમારી સાવ અજાણી હતી. રોજેરોજ નવી ગાઇડલાઇન અને નવા પ્રોટોકોલ સૂચવવામાં આવતા હતા. ટેલી મેન્ટરિંગની સુવિધા હેઠળ વિવિધ દર્દીઓના લક્ષણોની ચર્ચા કરી માર્ગદર્શન પ્રમાણે સારવારમાં ફેરફારો કરવા પડતા હતા. મારી ટીમની દેખરેખ હેઠળ જ વડોદરામાં પ્રથમ દર્દીને ટોસિલીઝુમાનો ડોઝ અપાયો હતો. આ દરમિયાન હું પોતે પણ કોરોના પોઝિટિવ થઈ હતી.

હેડ નર્સ રાજશ્રી શેઠ
હેડ નર્સ રાજશ્રી શેઠ

પરિવાર, પાડોશીઓ અને સ્વજનોએ ખુબ પીઠબળ આપ્યું
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, પરિવાર, પાડોશીઓ અને સ્વજનોએ ખુબ પીઠબળ આપ્યું, ખુબ સમજદારી દાખવી અમારા કામની મુલવણી કરી, જે પ્રોત્સાહક બની રહ્યું હતું. સયાજી હોસ્પિટલમાં ખાસ ફરજ પરના અધિકારીથી લઈને સલાહકાર અને તબીબી અધિક્ષક સહિત બધાએ પીઠબળ આપ્યું હતું. રેસિડેન્ટ તબીબો, તબીબી વિદ્યાર્થીઓ અને નર્સિંગ સ્ટાફ સહુએ જે ફરજ નિષ્ઠા બતાવી એ આ જંગ જીતવામાં ખુબ જ ઉપયોગી નીવડી હતી.

કોરોનાના દર્દીઓની સેવા આપવા માટે પસંદગી થવાનું ગૌરવ થયું હતુ
કોરોના વિભાગમાં લગભગ 62 દિવસ સુધી દર્દીઓને એક્સરસાઇઝ કરાવવાની સેવા આપનારા ફિઝિયોથેરાપી વિભાગના ડો.નીરજા ભટ્ટે જણાવ્યું હતું કે, જ્યારે અમને કહેવામાં આવ્યું કે, તમારે કોરોના વિભાગમાં જઈને સારવાર હેઠળના દર્દીઓને સારવારના ભાગરૂપે કસરતો કરાવવાની છે, ત્યારે ક્ષણ વાર માટે તો ભયની લાગણી એ મનનો કબજો લઈ લીધો હતો. જોકે, આ એક ક્ષણિક અનુભૂતિ હતી. તે પછી આવા કપરા સમયે સેવા આપવા માટે પસંદગી થવાના ગૌરવે મનનો કબજો લીધો અને મક્કમ મનોબળ સાથે ફરજ સ્વીકારી.

રોગીઓને એકલા રહેવું પડતું એટલે માનસિક વિચલિતતા અનુભવતા
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, રોગીઓને એકલા રહેવું પડતું એટલે માનસિક વિચલિતતા અનુભવતા. એમને કસરત કરાવવાની સાથે એમનું મનોબળ મક્કમ થાય એવા સંવાદ કરતાં. આ એક નવો અનુભવ હતો. દર્દીઓ કસરત કરીને તાજગી અનુભવતા, ત્યારે એક અલગ પ્રકારના આનંદની અનુભૂતિ થતી. આ કામગીરી દરમિયાન જાતે કોરોના પોઝિટિવ થઈ, ત્યારે દર્દીઓ કેવું અનુભવે છે, કેવા પ્રકારની એમને પીડા થાય છે, કેવા ગમા અણગમા જાગે છે, એનો જાત અનુભવ થયો. એટલે કોરોના મુક્ત થયાં પછી રોગ અને રોગીની નવી સમજણ સાથે ફરીથી ફરજ શરૂ કરી. આ અનુભવથી કોરોનાના વ્યવસ્થાપનમાં ફિઝિયોથેરાપીની ભૂમિકાની એક નવી દિશાના દ્વાર ખુલ્યા જે ભવિષ્યમાં વ્યવસાયિક કુશળતામાં નવા આયામો ઉમેરશે.

હેડ નર્સ સેવા દરમિયાન જાતે કોરોના પોઝિટિવ થયા હતા
હેડ નર્સ રાજશ્રી શેઠ પણ હોસ્પિટલની સેવા દરમિયાન જાતે કોરોના પોઝિટિવ થયાં હતાં. કોરોના શરૂ થયો ત્યારે તેઓ તાત્કાલિક સારવાર વિભાગમાં સેવા આપી રહ્યાં હતા. એ સમયગાળાને યાદ કરતાં તેમણે જણાવ્યું હતું કે, કોરોનાનો પહેલો શંકાસ્પદ કેસ તાત્કાલિક સારવાર વિભાગમાં જ આવ્યો હતો. તે પછી આ રોગની ચેપ આપવાની પ્રકૃતિને જાણીને આ વિભાગમાં બે પથારીનું આઈસોલેસન યુનિટ શરૂ કરવામાં આવ્યું હતું. તેઓ જાતે કોરોનાગ્રસ્ત થયા. સારવાર લીધી એ લગભગ 14 દિવસના અંતરાલ પછી તુરંત જ ફરજ પર હાજર થઈ ગયા હતા.

સિક્યુરિટી ગાર્ડ જ્યોતિ ગરુડ, સફાઈ સેવિકા તારાબહેન, આયા રેખા વસાવા
સિક્યુરિટી ગાર્ડ જ્યોતિ ગરુડ, સફાઈ સેવિકા તારાબહેન, આયા રેખા વસાવા

સિક્યુરિટી ગાર્ડ્સ, સફાઇ સેવિકાઓ અને આયાઓએ પણ સેવા આપી
દોઢ વર્ષના બાળકની માતા અને સિક્યુરિટી ગાર્ડ જ્યોતિ ગરુડ, સફાઈ સેવિકા તારાબહેન, આયા રેખા વસાવા. આ તમામે કોરોના કાળની શરૂઆતથી આ વિભાગમાં સેવાઓ આપી છે અને આપી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, થોડો ડર તો લાગતો હતો. અમારે દર્દીની સૌથી વધુ નજીક જઈને સાફ સફાઇ, ડાયપર બદલવા, શૌચાલયની સફાઈ કરવી, દર્દીઓના સ્વજનો એમના માટે ખોરાક, કપડાં આપી જાય એ એમના સુધી પહોંચાડવાની કામગીરી કરવાની હતી. તેમ છતાં કીટ પહેરી, માથે ટોપી પહેરી, જરૂરી તકેદારી રાખી હિંમતથી કામ કર્યું છે.

અમૂલ્ય યોગદાન આપીને નારીની શક્તિની અનુભૂતિ કરાવી
ડો.બેલીમ કહે છે કે, ખતરનાક કોરોના સામે ડર્યા વગર મહિલા તબીબો, રેસીડેન્ટ્સ, ફિઝિયોથેરાપિસ્ટ ,લેડી ટેક્નિશિયન, નર્સિંગ સ્ટાફ, આયા, સ્વિપર અને સિક્યુરિટી ગાર્ડ તરીકે મહિલાઓએ અમૂલ્ય યોગદાન આપીને નારીની શક્તિની અનુભૂતિ કરાવી છે.

કોરોનાનું મેનેજમેન્ટ કરરું અને પડકાર જનક હતું
કોરોનાનું મેનેજમેન્ટ કપરું હતું, અઘરું હતું, પડકાર જનક અને મતી મૂંઝવી દેનારું હતું, પરંતુ, જેમ કૌટુંબિક આફતો સમયે લડવાનું બળ માતા, પત્ની કે દીકરીઓ આપે છે તે જ રીતે આ આરોગ્યની આફત સામે લડવાની તાકાત મહિલાઓએ બતાવી છે અને નારી તું નારાયણીની ઉકિત સાર્થક કરી છે.