તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના કહેર:નવસારીથી ત્રણ દિવસથી પગપાળા નીકળેલા 15 શ્રમજીવીઓને શેલ્ટર હોલમાં રખાયા

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
શેલ્ટર હોમમાં ખસેડાયેલા નવસારીના લોકો. - Divya Bhaskar
શેલ્ટર હોમમાં ખસેડાયેલા નવસારીના લોકો.
  • સંખેડા ગોલાગામડી પાસે મધ્યપ્રદેશના સોંડવા તાલુકાના શ્રમજીવીઓ આવતા પોલીસે તેઓને રોક્યા
  • લોકડાઉનના છઠ્ઠા દિવસે પણ નથી થોભતા શ્રમિકો

સંખેડા: નવસારીથી પગપાળા ત્રણ દિવસે સંખેડા ગોલાગામડી પાસે આવતા પોલીસે પકડી સંખેડા ખાતે શેલ્ટર હોમમાં રાખ્યા.મધ્યપ્રદેશના સોંડવા તાલુકાના ખામટ ગામે પગપાળા જતા બાળકો સહિત કુલ 13 વ્યક્તિને સંખેડા રખાયા. શેલ્ટર હોમમાં મુલાકાતમાં એક ભાઇએ જણાવ્યું અમે કોરોના નથી લાવ્યા જે લાવ્યા એમને પકડો અમને અમારા ઘરે જવા દો.
મધ્યપ્રદેશના સોંડવા તાલુકાના ખામટ ગામેથી નવસારી ખાતે કડીયાકામની છુટક મજુરી કરવા માટે દમડિયાભાઇ સહિત ચાર પુરુષ, ચાર મહિલા અને પાંચ બાળકો ગયા હતા.ત્યાં છુટક મજુરી કરતા હતા. આ મજુરી લોકડાઉન થતા બંધ થઇ. આવકનું સાધન બંધ થયું. રોજગારી હવે મળવાની બંધ થતા પાછા ઘરે જવાનું નક્કિ કરીને આ સૌ નિકળ્યા. એક વાહન મળ્યું તો ખરું પણ પોલીસે વાહન અટકાવી દીધું એટલે પાછુ પગપાળા ચાલ્યા.
આ ત્રણ દિવસની મુસાફરી પડેલી મુશ્કેલી અંગે દમડીયાભાઇએ જણાવ્યું કે,”કોરોના અમે નથી લાવ્યા પણ છંતા અમારે પાછુ ઘરે આવવું પડે એમ થયું.નવસારીમાં રોજગારી બંધ થઇ.એટલે રોકાઇને પણ કરવાનું શું. એટલે અમે શુક્રવારે ચાલવાનું શરૂ કર્યું હતું. ચાલતા ચાલતા જ્યાં રોડ ઉપર જમવાનું ચાલે ત્યાં અમે જમી લેતા હતા. એક વાહનમાં બેઠા પણ પોલીસે વાહન અટકાવી દીધું.માંડ માંડ અહિયા સુધી આવ્યા.ત્રણ દિવસ સુધી ચાલ્યા રવિવારે સાંજે જ્યારે અહિંયા આવ્યા ત્યારે પોલીસે અમને પકડીને અહિયા લઇ આવી છે.પગે ચાલી ચાલીને સોજા ચડી ગયા હતા.

SDMની મુલાકાત બાદ પીવાનું પાણી આવ્યું
અહિંયા લવાયેલા 13 મધ્યપ્રદેશના વ્યક્તિઓને રખાયા છે. ત્યાં તેમને જમવાની અને રહેવાની વ્યવસ્થા કરાઇ છે. સવારે અહિંયાથી પાણીના જગ પાણીવાળા લઇ ગયા. પછી પાણી મુકી ગયા નહોતા. બપોર બાદ એસ.ડી.એમ.એ મુલાકાત લીધી ત્યારે આ વાતની જાણ થઇ હતી. જે બાદ અહિંયા પાણીના જગ મુકાયા હતા.
સાડલીના 21 લોકોને શેલ્ટર હોમમાં લવાયા
તારાપુર ચણા કાઢવાની મજુરીએ ગયેલા સાડલી તા.જેતપુર પાવીના 21 વ્યક્તિઓ ત્યાંથી કપુરાઇ સુધી અને કપુરાઇથી ડભોઇ સુધી વાહનમાં આવ્યા.અહિયાથી પગપાળા તેઓ સંખેડા થઇને વાયા મોડાસર ચોકડીથી સાડલી જવા માગતા હતા.પણ તેઓ સંખેડા-બહાદરપુર વચ્ચેના પુલ પાસેથી પસાર થતા હતા.ત્યારે પોલીસે તેઓને ત્યાંથી સીધા શેલ્ટર હોમમાં લઇ આવ્યા.

લોકડાઉનના છઠ્ઠા દિવસે પણ નથી થોભતા શ્રમિકો
ગોલાગામડી પાસે હજી પણ જોવા મળતો શ્રમિકોનો મેળાવડો કોઈ સુરેન્દ્રનગરથી, કોઈ વડોદરાથી છે, તો કોઈને યુપી જવું છે

સંખેડા: તાલુકાના ગોલાગામડી પાસે હજીય કોઈ ચાલતા તો કોઈ સહપરિવાર સાઇકલ ઉપર વતન તરફ જતા જોવા મળી રહ્યા છે. કોઈ સુરેન્દ્રનાગરથી કોઇ વડોદરાથી આવી રહ્યા છે. તો કોઈને યુ.પી.જવું છે. ગોલાગામડી પાસે વડોદરાથી સાઇકલ ઉપર એક દંપતી બે નાના બાળકો સાથે સાઇકલ ઉપર આવ્યા હતા. હજી આ બે નાના બાળકો સાથેના આ દંપતીને છોટાઉદેપુર તાલુકાના ભીલપુર જવું હતું. સંજયભાઈ રાઠવા નામનો આ શખ્સ પત્ની, બે બાળકો સાથે સાઇકલ પર સવારે છ વાગ્યે વડોદરાથી નીકળ્યો હતો. બપોરે દોઢ વાગ્યે ગોલાગામડી આવી પહોંચ્યો હતો.

22 વ્યક્તિઓ જેમાં સ્ત્રી-પુરુષ અને નાના બાળકો છે
મોટીસડલી અને ટૂંડવા ગામના 22 વ્યક્તિઓ જેમાં સ્ત્રી-પુરુષ અને નાના બાળકો છે. તેઓ ગોલાગામડી ખાતે રસ્તાના ડિવાઈડર ઉપર બેઠા હતા. તેઓએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગરના દુધરેટ ગામે મજૂરી કરતા હતા. ગઈકાલે બપોરે બે વાગ્યે રિક્ષામાં બેસી લીમડી પહોંચ્યા હતા. અહીંયા સેવાભાવી લોકોએ જમાડ્યા હતા. ત્યાંથી ટ્રકમાં નડિયાદ આવ્યા અને ત્યાંથી પીકઅપ ગાડીમાં વડોદરા સુધી આવ્યા હતા. વડોદરાથી કોઈ વાહન નહીં મળતા તેઓ વડોદરાથી ચાલતા ગોલાગામડી સુધી આવ્યા હતા. રાત આખીય જાગ્યા અને મુસાફરી કરી હતી. અહીંયા આવ્યા બાદ એક ટેમ્પામાં સૌ બેસી ગયા હતા.
સૂર્યાઘોડા પાસે ટ્રેલર ચલાવતા યુ.પી.ના પાંચ જેટલાં યુવકો છે. જે વહેલી સવારે સાતેક વાગ્યાના સુમારે યુ.પી. જવા માટે પોતાના વાહનમાં નીકળ્યા હતા. પણ ડભોઈથી પરત આવ્યા હતા. ગોલાગામડી પાસે તેમના વાહનને પ્રવેશ ના મળતા વાહનને ગામડી પાસે જ રહેવા દઈને તેઓ પરત ચાલતા સૂર્યાઘોડા જવા નીકળ્યા હતા. તેઓએ પોતાના વાહનને બોલાવ્યું હતું. આવે ત્યાં સુધી વાહનની રાહ જોતા હતા.

અન્ય સમાચારો પણ છે...