ભાસ્કર વિશેષ:મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં રોગ પ્રતિકારક શક્તિ વધારતી ગિલોયના 1.40 લાખ રોપા તૈયાર કરાયા, 1 પરિવાર દીઠ 2 અપાશે

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નેશનલ મેડિસિનલ પ્લાન્ટ બોર્ડ દ્વારા ‘અમૃતા ફોર લાઈફ’ અંતર્ગત આયોજન

નેશનલ મેડિસિનલ પ્લાન્ટ બોર્ડ દ્વારા ચલાવાઈ રહેલા ‘અમૃતા ફોર લાઈફ’ના રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત મ.સ.યુનિ.ની સાયન્સ ફેકલ્ટીના બોટની વિભાગના બોટનિકલ ગાર્ડનમાં ગિલોયના રોપા ઉછેરવાનો પ્રોજેક્ટ અપાયો છે. આ પ્રોજેક્ટ હેઠળ ગિલોયના 2 લાખ રોપા તૈયાર કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 6 મહિના દરમિયાન 1.40 લાખ રોપા તૈયાર કરી દેવાયા છે.

ગિલોયના રોપાઓનું યુનિવર્સિટી હેડ ઓફિસ પંડ્યા બ્રિજ પાસે અને પોલિટેક્નિક સામે ગેટ 2 પાસેથી નિ:શુલ્ક વિતરણ દરરોજ બપોરે 3 થી 6 વાગ્યા દરમિયાન કરવામાં આવી રહ્યું છે. દરેક પરિવાર દીઠ 2 રોપા તથા સંસ્થા અને શાળા-કોલેજોને 50 રોપા આપવામાં આવી રહ્યા છે. નિ:શુલ્ક રોપા મેળવવા નામ, મોબાઈલ નંબર તથા આધાર કાર્ડ નંબરથી રજિસ્ટ્રેશન કરાવી રોપા મેળવી શકાશે. આ પ્રોજેક્ટ બોટની વિભાગના ડો.પી.એસ.નાગરના વડપણ હેઠળ કાર્યરત કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર તરીકે રોશન પરમાર કાર્ય કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, બોટનિકલ ગાર્ડનની સ્થાપના 1920ના દાયકામાં કરવામાં આવી હતી. બોટની ગાર્ડન 2.5 એકરમાં ફેલાયેલો છે. ઘણી શાળાઓ, આયુર્વેદિક યુનિવર્સિટીઓ અને ફાર્મસી કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા પણ આ વનસ્પતિ શાસ્ત્ર અને માતૃ પ્રકૃતિને સમજવા માટે અવારનવાર આ ઉદ્યાનની મુલાકાત લે છે.

વિવિધ બીમારીમાં ઉપયોગી
ગુજરાતના 12 જિલ્લામાંથી કટિંગ્સ તથા બિયારણ ભેગું કરી ગિલોયના આ રોપા તૈયાર કરાયા છે. ગિલોય હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીમાં ઘણું જ ઉપયોગી પુરવાર થયું છે. તેમાંથી બનતી દવાઓની પણ ભારે માગ રહે છે. ગિલોયનું સેવન રોગ પ્રતિકારક શક્તિ વધારે છે એમ માનવામાં આવે છે. આ ઉપરાંત ગિલોય તાવ દૂર કરવા, કમળાની બીમારી, ડાયાબિટીસ, એલર્જી, સાંધાના દુખાવા તથા પેટમાં કરમિયા દૂર કરવા માટે પણ ઉપયોગી છે.

અન્ય સમાચારો પણ છે...