પહેલું બોટ હાઉસ:137 વર્ષ પૂર્વે પેલસથી પાદરા સુધી વિશ્વામિત્રીમાં નૌકાવિહાર થતો હતો

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાપાનીઝ શૈલીની છાપ ધરાવતા બોટ હાઉસનો 13 દાયકા જૂનો ઇતિહાસ
  • લક્ષ્મીવિલાસ પેલેસની પાછળ ઇંટો- લાકડાના વિશાળ બોટહાઉસનું નિર્માણ કરાવ્યું હતું
  • 20 પગથિયા બોટ હાઉસથી ઉતરીને વિશ્વામિત્રી નદી સુધી પહોંચી શકાતુ હતું

આજથી 137 વર્ષ અગાઉ વિશ્વામિત્રી નદી બારેમાસ છલકાતી રહેતી હતી. વડોદરાથી પાદરા અને છેક ડબકા સુધીનો નૌકાપ્રવાસ થઇ શકતો હતો. ડબકામાં મહારાજા સયાજીરાવે શિકાર માટેનો એક વિસ્તાર વિકસાવ્યો હતો. જ્યાં પહોંચવા જળપ્રવાસ પણ થઇ શકે તે હેતુથી લક્ષ્મીવિલાસ પેલેસ પાછળના ભાગે જ તેના બાંધકામને સમાંતરે 1885માં એક બોટહાઉસનું પણ નિર્માણ કરાવ્યું હતું. જે વડોદરાનું પહેલું બોટ હાઉસ હતું. આ નૌકા‘ઘર’મા મહારાજાની કેટલીક બોટ મૂકાતી હતી.

બોટ હાઉસનો ઉલ્લેખ મહારાજા સયાજીરાવના એક અંગ્રેજ મિત્રે કર્યો છે. એડવર્ડ વિડન નામના આ મિત્રે ‘ ધ યર વીથ ગાયકવાડ્સ’ નામનું એક પુસ્તક લખ્યું છે. આ પુસ્તક તેમણે 1907માં વડોદરામાં મહારાજાના આમંત્રિત મહેમાન તરીકે એક વર્ષના રોકાણ દરમિયાન લખ્યું હતું. ધ યર વિથ ગાયકવાડમાં તેમણે લખ્યું છે કે, ‘ મહારાજાનું (પેલેસ કંપાઉન્ડની) નજીકમાં એક પ્રાઇવેટ રેલવે સ્ટેશન હતું. તેનાથી કેટલાક અંતરે વિશ્વામિત્રીના કિનારે બોટ હાઉસ હતું. નજીકમાં રાઇફલ રેન્જ હતી. એક મંદિર હતું.

ત્યાંથી પેલેસનો ભવ્ય નજારો જોઇ શકાતો હતો…’ તાજેતરના વર્ષોમાં હેરિટેજ વેલ્યૂ ધરાવતું આ પ્રાઇવેટ રેલવે સ્ટેશન હજી માંડ દાયકા અગાઉ જ વિકાસ અંતર્ગત તોડી પડાયું હતું. આ એડવર્ડ વિડનની મહારાજા સાથેની પહેલી મુલાકાત સ્વિત્ઝર્લેન્ડમાં થઇ હતી ત્યારે તેઓ તેમના રીડર હતા. આ બોટહાઉસ લાકડામાંથી તૈયાર કરાયું હતું. બોટ હાઉસ ભવ્ય ન હતું પણ દૂરથી જોતા તે જાપાનિઝ શૈલીના બાંધકામ જેવું લાગતંુ હોવાથી દેખાવ જુદો જ તરી આવતો હતો. વિડને જે ખાનગી રેલવે સ્ટેશનની વાત કરી હતી તેનું અસ્તિત્વ ભૂંસાઇ ગયું છે. પણ બોટ હાઉસ હજી ખંડેરોમાં ધબકે છે.

મહારાજા સયાજીરાવે રૂા.10 હજારમાં જહાજ ખરીદ્યંુ હતું
મહારાજા સયાજીરાવે 1887માં ઇંગ્લેન્ડથી 187 ફૂટ લાંબુ એક જહાજ રૂ.10 હજારના ખર્ચે ખરીદ્યુ હતું. આ જહાજનું નામ ઝિંગારા હતા. આ જહાજને 29મી સપ્ટેમ્બર, 1875ના રોજ સમુદ્રમાં લોન્ચ કરાયું હતું અને રજિસ્ટ્રેશન 1886માં થયું હતું. ઝિંગારાને મુંબઇના બંદર સુધી લાવવામાં આવ્યું હતું. આ જહાજમાં 4000 પુસ્તકોની એક લાઇબ્રેરી પણ હતી. આ જહાજેને તુર્કસ્તાનના કોઇ ધનાઢ્યને વેચ્યું હતું. રેકર્ડ મુજબ ઝિંગારાને 1950માં ઇંગ્લેન્ડના ગ્લાસગોવ ખાતે નષ્ટ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...