વડોદરામાં 33 વર્ષ પહેલા થયો'તો લઠ્ઠાકાંડ:મહા શિવરાત્રિના દિવસે થયેલા લઠ્ઠાકાંડમાં 135 લોકોના મોત થયા હતા, 400 લોકોને અસર થઇ હતી

વડોદરા13 દિવસ પહેલા
33 વર્ષ પહેલાં વડોદરામાં લઠ્ઠાકાંડ થયો હતો. તે વખતે નીકળેલી અંતિમયાત્રાની ફાઇલ તસવીર.
  • બકરાવાડી અને નાળીયાવાસ વિસ્તારના લોકો લઠ્ઠાકાંડનો ભોગ બન્યા હતા
  • અસરગ્રસ્તો પૈકીના અનેક લોકોએ આંખો ગુમાવી હતી
  • સયાજી હોસ્પિટલનો પોષ્ટમોર્ટમ રૂમ લાશોથી ઉભરાઇ ગયો હતો

અમદાવાદ જિલ્લાના બરવાળા લઠ્ઠાકાંડે વડોદરામાં 33 વર્ષ પહેલાં થયેલા લઠ્ઠાકાંડને તાજો કરી દીધો છે. આજથી 33 વર્ષ પહેલાં મહાશિવરાત્રિના પવિત્ર દિવસે વડોદરામાં પણ લઠ્ઠાકાંડ સર્જાયો હતો. આ લઠ્ઠાકાંડમાં વડોદરાના બકરાવાડી અને નાળીયાવાસ વિસ્તારમાં 135 વ્યક્તિઓના મોત થયા હતા. અને 400 લોકોને ઝેરી દારુની અસર પહોંચી હતી. ઝેરી દારૂની અસર પામેલા અનેક લોકોએ આંખોની રોશની ગુમાવી દીધી હતી.

મોતનો બિનસત્તાવાર આંક 250થી વધુ હતો
વડોદરાના લઠ્ઠાકાંડે તે સમયે હાહાકાર મચાવી મુક્યો હતો. બકારાવાડી અને નાળીયાવાસમાંથી એક પછી એક ઉઠેલી અર્થીઓએ સન્નાટો પાથરી દીધો હતો. ચારેકોર રોકકડના દ્રશ્યો સર્જાયા હતા. અનેક પરિવારના માળાં વિખરાઇ ગયા હતા. બાળકો અનાથ બની ગયા હતા. 1989માં સર્જાયેલા આ લઠ્ઠાકાંડની કળ વર્ષો સુધી વળી ન હતી. સમગ્ર શહેરમાં એક માત્ર ચર્ચા લઠ્ઠાકાંડની ચાલી હતી. તંત્રએ દોડધામ કરી મુકી હતી. આ લઠ્ઠાકાંડમાં સત્તાવાર મરણ આંક 135 દર્શાવવામાં આવ્યો હતો. પરંતુ, બિન સત્તાવાર 250 ની ઉપર હતો. કારણ કે જે લોકો અસરગ્રસ્ત હતા. તે લોકોના સમયાંતરે મોત થયા હતા.

વડોદરાના લઠ્ઠાકાંડે હાહાકાર મચાવી મુક્યો હતો.
વડોદરાના લઠ્ઠાકાંડે હાહાકાર મચાવી મુક્યો હતો.

વડોદરા શહેર સહિત ગુજરાતમાં દેશી દારૂનું ધૂમ વેચાણ
આ ઘટના બાદ પોલીસે અનેક મોટા ઓપરેશન કર્યા હતા, તપાસ સમિતિઓની રચના થઇ હતી. તેના સ્ફોટક રિપોર્ટ આવ્યા હતા. તેમ છતાં આજે વડોદરાના કોઇ પણ ખૂણો બાકી નહીં હોય જ્યાં દેશી દારુની પોટલીઓ મળતી ન હોય.

4 માર્ચ-1989ના દિવસે લઠ્ઠાકાંડ થયો હતો
આજથી 33 વર્ષ અગાઉ વડોદરામાં મહાશિવરાત્રીનો દિવસ હતો. તા. 4 માર્ચ-1989ના રોજ વડોદરાના મદનઝાંપા, લક્કડપીઠા પાસે આવેલા બકરાવાડી અને નાળીયાવાસના સ્થાનિક રહેવાસીઓએ દેશી દારૂ પીધો હતી. ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ પર થયેલા આ દારૂ પીનારા ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. કેટલાક લોકોની તો આંખ બળી ગઈ હતી, કેટલાકને શરીરમાં દુખાવો થયો હતો અને ઘણા બેભાન થઈ ગયા હતા. વડોદરાની સયાજી હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમ લાશોથી ઉભરાઇ ગયો હતો. પોસ્ટમોર્ટમ રૂમ ઉપર હજારોની સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.

1989માં મહાશિવરાત્રીના પવિત્ર દિવસે વડોદરામાં લઠ્ઠાકાંડ થયો હતો.
1989માં મહાશિવરાત્રીના પવિત્ર દિવસે વડોદરામાં લઠ્ઠાકાંડ થયો હતો.

મોતને ભેટેલા મોટા ભાગના કોર્પોરેશનના સફાઇ કામદારો હતા
લઠ્ઠાકાંડનો ભોગ બનેલા મોટા ભાગના બકરાવાડી અને નાડીયાવાસ વિસ્તારમાં રહેનારા લોકો હતા. તે પૈકી મોટા ભાગના વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રેનેજ વિભાગમાં સફાઈ કામદાર તરીકે અથવા શાકભાજી વિક્રેતાઓ અને નાના વેપારીઓ તરીકે નોકરી – ધંધો કરતાં હતા. મોટાભાગના કિસ્સાઓમાં પરિવારના મોભી મૃત્યુ પામ્યા હતા, જ્યારે કેટલાક કિસ્સાઓમાં તો એક કરતા વધુ પરિવારના સભ્યો માર્યા ગયા હતા. અમુક કિસ્સામાં આખા પરિવારનો લઠ્ઠાકાંડે ભોગ લીધો હતો. આ લઠ્ઠાકાંડે સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી મુક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...