ઉમેદવારોનો ધસારો:વડોદરા મહાનગર પાલિકામાં જુનિયર ક્લાર્કની પહેલીવાર સૌથી મોટી ભરતી, 552 જગ્યા માટે 1.35 લાખ અરજી આવી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 2016 પછી 7 વર્ષ બાદ 5 પદ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ, પાલિકાએ ફી પેટે - 3.50 કરોડ મેળવ્યા
  • સબ સેનેટરી ઇન્સ્પેક્ટરની 1 પોસ્ટ માટે સરેરાશ 770, જ્યારે વોર્ડ ઓફિસરની 1 જગા માટે 761 અરજી આવી
  • વિવિધ 641 પોસ્ટ માટે 54 દિવસમાં 1,71,036 ઉમેદવારો દ્વારા અરજી કરાઈ

વડોદરા મહાનગર પાલિકામાં વર્ષ 2016 બાદ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં છેલ્લા 54 દિવસમાં 641 પદ માટે 1,71,036 ઉમેદવારોએ અરજી કરી છે. એક દિવસમાં પાલિકાની વેબસાઈટ પર 3,168 લોકોએ આવેદન કર્યું હતું. આ ભરતી પ્રક્રિયાની ફી પેટે પાલિકાએ રૂા. 3.50 કરોડ મેળવ્યા છે. પાલિકામાં 10 વર્ષ બાદ રોસ્ટર રજિસ્ટરને પ્રમાણિત કરવામાં આવ્યું છે.

વર્ષ 2016માં પાલિકાએ ક્લાર્કની ભરતી કરી હતી અને ત્યારબાદ 7 વર્ષ બાદ હવે અલગ-અલગ 5 પોસ્ટ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ફેબ્રુઆરીની 16મી તારીખથી વોર્ડ ઓફિસરની 4 જગ્યા, રેવન્યુ ઓફિસરની 7, જુનિયર ક્લાર્કની 552, સબ સેનેટરી ઇન્સ્પેક્ટરની 10 અને મલ્ટી પર્પઝ વર્કરની 68 જગ્યા પર ઓનલાઈન અરજી સ્વીકારવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

જેમાં 28મી ફેબ્રુઆરીએ છેલ્લી તારીખ બાદ તેની સમય મર્યાદામાં વધારો કરી 10 માર્ચ અને ત્યારબાદ 10 એપ્રિલ કરવામાં આવી હતી. 10મી એપ્રિલ સુધીમાં પાલિકાની 641 પોસ્ટ માટે 1,71,036 અરજી આવી છે. જેમાં વોર્ડ ઓફિસરની 1 પોસ્ટ માટે સરેરાશ 761, રેવન્યુ ઓફિસરની 1 પોસ્ટ માટે સરેરાશ 565, જુનિયર ક્લાર્કની 1 પોસ્ટ માટે સરેરાશ 246 તેમજ સબ સેનેટરી ઇન્સ્પેક્ટરની 1 પોસ્ટ માટે 770 અને મલ્ટી પર્પઝ વર્કર માટેની સરેરાશ 1 પોસ્ટ માટે 302 લોકોએ અરજી કરી છે.

પાલિકાએ 1,71,036માંથી 1,45,053 અરજીના 3.50 કરોડ ફી પેટે વસૂલ્યા છે. જ્યારે 25,983 અરજી એવી છે કે, જે ઉમેદવારનાં પેમેન્ટ થયાં નથી. જોકે તેમાં અનામત જગ્યાનો સમાવેશ થાય છે. ડેપ્યુટી કમિશનર સુધીર પટેલના જણાવ્યા મુજબ પાલિકામાં અત્યાર સુધીમાં સૌથી વધુ ક્લાર્કની ભરતી આ સમયે થઈ રહી છે. આ ભરતી કરવાનાં કારણોમાં કોવિડના સમયે ભરતી પ્રક્રિયા થઈ ન હતી. જ્યારે હવે નવા વોર્ડ બનતાં તેના માટે ઊભી થયેલી જરૂર માટે ભરતી કરાઈ રહી છે.

કઈ જગ્યા માટે કેટલી અરજી

હોદ્દોજગ્યાઅરજી
વોર્ડ ઓફિસર43044
રેવન્યુ ઓફિસર73957
જુનિયર ક્લાર્ક5521,35,793
સબ સેનેટરી ઇન્સ્પેક્ટર107693
મલ્ટી પર્પઝ વર્કર6820,549
કુલ6411,71,046

સૌથી વધુ અરજી જુનિયર ક્લાર્કની જગા માટે, સૌથી ઓછી અરજી વોર્ડ ઓફિસરની જગા માટે આવી

પેપર ન ફૂટે તે માટે ખાસ ધ્યાન રખાશે
ભૂતકાળમાં રાજ્યમાં યોજવામાં આવેલી પરીક્ષા પૂર્વે પેપર ફૂટી જવાની અનેક ઘટનાઓ બની છે. જેના કારણે સરકારની વિશ્વસનીયતા સામે સવાલો ઊભા થયા છે. ત્યારે આ પ્રકારની કોઇ ઘટના ન બને તે માટે રાજ્યમાં ભરતી પ્રક્રિયા માટેની પરીક્ષા યોજતી સંસ્થા પાસે આયોજન કરાવવાનું પાલિકા વિચારી રહી છે. જે અંગે સંસ્થાઓ સાથે પત્ર વ્યવહાર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.

પહેલા 19 દિવસમાં 1.26 લાખ અરજી
પાલિકા દ્વારા 641 પોસ્ટ માટે ગત 16મી ફેબ્રુઆરીના રોજ ઓનલાઈન ફોર્મ સ્વીકારવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયાના 19 દિવસ બાદ કુલ 1,26,063 અરજીઓ પાલિકાને મળી હતી. જ્યારે ત્યારબાદના 35 દિવસમાં માત્ર 44,973 ઉમેદવારો દ્વારા અરજી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...