આઝાદી કા અમૃતમ મહોત્સવ અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલના પગલે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા 3 જૂનથી 5 જૂન સુધી ત્રિદિવસીય 'સાંસદ ખેલ સ્પર્ધા'નું આયોજન કરવામાં આવ્યું છે. આ ખેલ હરીફાઈમાં વડોદરા સંસદીય મત વિસ્તારના 13000 જેટલા ખેલાડીઓ ભાગ લેશે.
આ અંગે સાસદ રંજનબેન ભટ્ટે માહિતી આપતાં જણાવ્યું હતું કે, 3 જૂને સવારે વિવિધ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અને પેવેલિયન ખાતે યોજાનાર ખોખો, કબડ્ડી, વોલીબોલ, ફૂટબોલ,હોકી, સ્વિમિંગ, સ્કેટિંગ તથા એથ્લેટિક રમતો સાથે સાથે સૂર્યનમસ્કાર અને મલખમની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડોદરા શહેર જીલ્લાના 13000 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યાં છે. જ્યારે તારીખ 4 જૂનના રોજ સવારે 6:00 વાગ્યે 1500 ઉપરાંત લોકો સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે સૂર્યનમસ્કાર કરી વર્લ્ડ રેકોર્ડ બનાવશે. તથા સાંજે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 75 બુલેટ સવાર યુવાનો દ્વારા ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને એરપોર્ટથી સત્કાર સાથે સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સુધી લાવશે.
તારીખ 5 જૂનના રોજ તમામ રમતોના વિજેતા ખેલાડીઓને કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તથા રાજ્યકક્ષાના મંત્રી મનિષાબેન વકીલ દ્વારા સન્માનિત કરવામાં આવશે. સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે 3 દિવસ સુધી સવારથી રાત સુધી રમતો ચાલશે, જ્યારે કારેલીબાગ ઉન્નતી સ્કેટિંગ રીંગ, વાઘોડિયા રોડ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, યુનિવર્સિટી પેવેલિયન, માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે સવારે અને સાંજે રમતો યોજવામાં આવશે. ખેલાડીઓને લાવવા લઇ જવા સાથે તેઓને ફુડ કિટ્સ અને આરોગ્ય અંગેની તમામ બાબતોની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.