કુણાલ પેઠે
હજી બે વર્ષ પહેલા સુધી સમગ્ર ગુજરાતની બોર્ડની પરીક્ષાઓનું સંચાલન વડોદરાના નવાપુરામાં સ્થિત બોર્ડની કચેરીની ઇમારતમાંથી થતું હતું. 2019માં આ કચેરી ગાંધીનગર ખસેડવામાં આવી હતી. પણ હવે આ ઇમારતને હરાજીથી વેચવાનો નિર્ણય બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે. આ ઇમારત 1987થી 2019 સુધીના 32 વર્ષ સુધી બોર્ડના 1.28 કરોડ વિદ્યાર્થીઓના પરીક્ષાના સંચાલનની સાક્ષી રહી છે.
હાલમાં બોર્ડે આ ઇમારતની તળિયાની કિંમત રૂ. 9,88,10,000 આંકી છે. 1006.70 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલી આ ઇમારતની 1987માં કિંમત રૂ.25 લાખ આંકવામાં આવી હતી. રાજ્યના તમામ જિલ્લાઓના વિદ્યાર્થીઓને કોઇ કારણોસર બોર્ડની પરીક્ષાના જૂના રિઝલ્ટથી માંડીને સુધારા કરવાના હોય ત્યારે તેને વડોદરાની આ કચેરીનો સંપર્ક કરવાની જરૂર પડતી હતી. રાજ્યની બોર્ડની કચેરી 1960થી વડોદરા હતી. સંસ્થા વસાહત બાદ યુનિવર્સિટી પ્રેસ છે ત્યાં અને પછી 1987માં નવાપુરાની ઇમારતમાં ખસેડાઇ હતી.
કમ્પ્યૂટર વિના પણ ડેટા માત્ર 10 મિનિટમાં મળી જતો હતો
બોર્ડના પૂર્વ ઉચ્ચ અધિકારી એમ.એમ. પઠાણે જણાવ્યું કે, ‘કમ્પ્યૂટરના આગમન અગાઉ પણ કચેરીએ ડેટાને સાચવવા માટે રજિસ્ટરોની એવી સચોટ રીતે ગોઠવણ કરી હતી કે, રાજ્યની સ્થાપના 1960માં થઇ પછી બોર્ડની પરીક્ષા આપી હોય તેવો કોઇ પણ જિલ્લાનો વિદ્યાર્થી પોતાનું જૂનું પરિણામ લેવા કે અન્ય કોઇ બોર્ડ કચેરીમાં નોંધાયેલા ડેટા માટે આવતો તો તેને માત્ર 10 મિનિટમાં જ ડેટા મળી જતો હતો.’
છેલ્લાં 15 વર્ષમાં 4 વડી કચેરીઓ વડોદરાથી ખસેડાઇ ગઇ
છેલ્લા 15 વર્ષમાં વડોદરાથી 4 મુખ્ય કચેરીઓ વડોદરાથી ગાંધીનગર ખસેડાઇ ગઇ છે. જેમાં ગુજરાત શિક્ષણ બોર્ડની કચેરી, વનવિભાગની કચેરી, ગુજરાત એનર્જિ ડેવલપમેન્ટ ઓથોરિટી(ગેડા) અને રાજ્ય મ્યુઝિયમ કચેરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અગાઉ રાજ્યના મુખ્ય ગ્રંથપાલની કચેરી પણ વડોદરામાં જ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.