વડોદરામાં અનાથ આશ્રમમાંથી દત્તક લીધેલી 12 વર્ષીય કિશોરી ઘરમાંથી 5 હજાર રૂપિયા લઇને ટ્યુશનમાં જવાનું કહી ઘરેથી નીકળ્યા પછી પરત ન ફરતા ચિંતાતૂર પરિવારે વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે અપહરણનો ગુનો નોંધી ગુમ કિશોરીની શોધખોળ હાથ ધરી છે.
દીકરી ઘરે પરત ન આવતા પરિવારજનો ચિંતાતૂર બન્યા
વડોદરા શહેરના ન્યુ વીઆઇપી રોડ પર રહેતા મહેન્દ્રભાઇ કડિયા કામ કરે છે. લગ્નજીવન દરમ્યાન સંતાન સુખ ન મળતા સુભાનપુરા ખાતેના અનાથ આશ્રમમાંથી વર્ષ-2012માં ત્રણ વર્ષની બાળકી અનિતા(નામ બદલ્યું છે)ને દત્તક લીધી હતી. મિસ્ત્રી પરિવારે ત્રણ વર્ષની અનિતા પોતાના જીવ કરતા પણ વધારે પ્રેમ કરીને તેને ઉચ્ચ અભ્યાસ કરાવી રહ્યા હતા. હાલ 12 વર્ષની થયેલી અનિતા ઘરે ટ્યુશન ક્લાસમાં જવાનું જણાવી ઘરેથી નીકળી જતાં, પરિવારજનો ચિંતાતૂર બની ગયા છે.
શોધખોળ કરવા છતાં કિશોરીનો કોઇ પત્તો ન મળ્યો
વારસીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ 12 વર્ષની અનિતા પડોશમાં ટ્યુશન ક્લાસ જતી હતી. બુધવારે અનિતા ટ્યુશન જવા માટે નીકળ્યા બાદ ઘરે પરત ફરી ન હતી. તપાસ કરતા ટ્યુશન સંચાલિકાએ અનિતા ઘરે આવી ન હોવાનું જણાવતા માતા-પિતા ચિંતાતૂર બની ગયા હતા. ઘરેથી નીકળી ગયેલી દીકરી અનિતાને શોધવા માટે પરિવારજનોએ ભારે શોધખોળ કરી હતી. પરંતુ, અનિતાનો કોઇ પત્તો મળ્યો ન હતો.
પોલીસે કિશોરીની શોધખોળ શરૂ કરી
દરમિયાન અનિતાના પરિવારે દીકરી અનિતા ઘરેથી નીકળ્યા બાદ પરત આવી નથી. તે ગુમ થઇ ગઇ છે. તેવી ફરિયાદ વારસીયા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરી છે.
કિશોરી ઘરેથી 5 હજાર રૂપિયા લઇને નીકળી હતી
ફરિયાદમાં પરિવારે જણાવ્યું છે કે, ધોરણ-7માં અભ્યાસ કરતી અનિતાએ ક્રીમ કલરનું ટોપ, લાલ કલરનો પ્લાઝો તથા લાલ કલરની મોજડી પહેરી છે. અનિતા ઘરમાં કોઇને જાણ કર્યાં વગર રૂપિયા 5 હજાર રોકડા લઇને ગઇ છે. વારસીયા પોલીસે પરિવારની ફરિયાદના આધારે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.