નર્સિંગના અધિકારીનો આક્ષેપ:GMERSમાંથી માઇક્રોસ્કોપનો 12 લાખનો લેન્સ ગાયબ, રેટિના સર્જરી શરૂ જ ના થઇ

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • તબીબે લેન્સ લીધાનો નર્સિંગના અધિકારીનો આક્ષેપ, મહિલા તબીબનો નન્નો
  • ગોત્રી હોસ્પિટલમાં 9 મહિનાથી ગાયબ લેન્સ માટે પોલીસમાં માત્ર અરજી

ગોત્રીની જીએમઇઆરએસ હોસ્પિટલમાંથી રૂ. 80 લાખના એક અદ્યતન માઇક્રોસ્કોપમાંથી લેન્સ સહિતનો આઇ બોસ નામનો એક ભાગ નવ મહિનાથી ગુમ છે. ગત ઓક્ટોબર મહિનામાં રેટિના (આંખના પડદા)ની સર્જરી કરવા માટે તેની જરૂર પડતાં રૂ.12 લાખની માતબર કિંમતનો આ ભાગ મળ્યો ન હતો. લાખો રૂપિયાની કિંમતનો આ ભાગ ગાયબ થતાં હોસ્પિટલમાં દોડધામ થઇ હતી.

છેવટે આ મુદ્દે ભીનુ સંકેલવાનું હોય તેમ 8 મહિનાનો સમય પસાર કર્યા પછી છેવટે જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગોરવા પોલીસ સ્ટેશને અરજી અપાઇ હતી. પણ હજીયે આ મુદ્દે કોઇ નક્કર તપાસ હાથ ધરવામાં આવી નથી. આ લેન્સ સહિતનો કોમ્પોનન્ટ ગાયબ થતા હોસ્પિટલમાં કેટલીક મહત્વની રેટિના-કેટેરેક્ટ સર્જરીઓ શરૂ થઇ નહીં અને આવા કેસ આવે તો સયાજી હોસ્પિટલમાં ડાઇવર્ટ કરવા પડી રહ્યાં છે.

આ કોમ્પોનેન્ટ જાન્યુઆરી-2021માં હોસ્પિટલમાં આવ્યો હતો. ઓક્ટોબર-2021માં આ કોમ્પોનન્ટ નથી એવી જાણ સત્તાધીશોને થઇ હતી. આ મુદ્દે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, સત્તાધીશોને નર્સિંગ વિભાગના અધિકારીને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે, આ કોમ્પોનન્ટ ઓપ્થાલ્મોલોજી વિભાગના તબીબ બે-ત્રણ દિવસમાં પરત આપી જઇશ એવું કહીને લઇ ગયા હતા.

જ્યારે મહિલા તબીબને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આવો કોઇ કોમ્પોનેન્ટ લીધો નથી એવો સ્પષ્ટ જવાબ આપી દીધો હતો. આ દરમિયાન ઓપ્થાલ્મોલોજી વિભાગના હેડ પણ બદલાઇ ચૂક્યા હતા. છેવટે 26મી જૂને ગોરવા પોલીસ સ્ટેશનમાં આ કોમ્પોનેન્ટ ગાયબ થયાની અરજી હોસ્પિટલે આપી છે. જોકે એક મહિના કરતા વધુ સમય થવા છતાં હજી એફઆઇઆર નોંધાઇ નથી.

જે આક્ષેપ થઇ રહ્યા છે તેમાં તબીબને હેરાનગતિ કરવામાં આવી રહી હોવાની અરજી પોલીસ મથકે અપાઇ છે. જેથી ગોરવા પોલીસે નર્સિંગ અધિકારીને પૂછપરછ માટે પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા.આઇ બોસ આંખના પડદાની સ્થિતિની તપાસ માટે વપરાય છે.

આંખના પડદાની સર્જરીમાં આંખોની પેશી અને સ્નાયુઓની માઇક્રોસ્કોપિક તપાસ માટે આઇ બોસનો ઉપયોગ થાય છે. જેમાં એક શક્તિશાળી લેન્સ હોય છે જે આંખના પડદાના સ્નાયુઓને અનેકગણું કરીને બતાવે છે અને ફોકસ કરે છે. જેથી તબીબને આંખની નસો, આંખમાં સપોર્ટ માટેનું વિશેષ જેલ અને તેમાં કોઇ લોહી છે કે નહીં તે બિલકુલ સ્પષ્ટ જોવાય છે.

આક્ષેપ થયા છે તે કમનસિબી છે : સુપરિન્ટેન્ડેન્ટ
આ વિશે હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. વિશાલા પંડ્યાએ જણાવ્યું કે, ‘અમે આ સાધન ક્યાંક મૂકાઇ ગયું હોવાથી સારી રીતે શોધવાનું કહ્યું છે પણ મળ્યું નથી. જેથી પોલીસમાં અરજી આપી છે. પણ તેની એફઆઇઆર આવી નથી. જે અંદરો અંદર આક્ષેપ થયા છે તે કમનસિબી છે.’ જ્યારે ઓપ્થાલ્મોલોજી વિભાગના હેડ ડો. અશ્વિની સાપરેએ આ મુદ્દે કોઇ ટીપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો.

સીસીટીવી કેમેરાની તપાસ થાય તો સ્પષ્ટતા થાય
આ સ્થિતિમાં સીસીટીવી કેમેરાની તપાસ થાય તો નોંધપાત્ર કડી મળી શકે. પણ સૂત્રો મુજબ માત્ર 3 મહિનાના જ ફૂટેજ રાખવામાં આવે છે. આ ઉપરાંત આ સાધનને રિપેર કરવામાં આવ્યું હતું ત્યારે પણ એક કંપનીના કર્મચારીને બોલાવવામાં આવ્યો હતો. બીજી નોંધપાત્ર બાબત એ છે કે, આ સાધન જ્યારે તબીબને અપાયું તેનો રજિસ્ટર પર પણ કોઇ રેકર્ડ નથી. હોસ્પિટલોમાં તબીબોને નર્સિંગ વિભાગ દ્વારા અપાતા દરેક સાધનોની નોંધ ઘણીવાર થતી નથી.

અન્ય સમાચારો પણ છે...