એજ્યુકેશન:MSUના 1100 વિદ્યાર્થીને આખરે 2 વર્ષે ટેબ્લેટ મળશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુનિ.એ ટેબ્લેટના રૂપિયા પરત આપવા નિર્ણય કર્યો હતો
  • સપ્ટેમ્બરના અંત સુધી ટેબ્લેટ આપવાની સરકારની ખાતરી

એમ.એસ.યુનિવર્સિટીના 2019ના બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ બે વર્ષે આપવામાં આવશે. યુનિ.એ 1100 વિદ્યાર્થીઓને ટેબલેટના રૂપિયા પરત આપવાનો નિર્ણય કર્યા બાદ સરકારે ટેબલેટ સપ્ટેમ્બર અંતમાં મળી જશે તેવી બાંહેધરી આપતા હવે ટેબલેટ રૂપિયા પરત આપવાની જગ્યાએ વિદ્યાર્થીઓને ટેબલેટ જ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

યુનિવર્સિટીમાં દર વર્ષે પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને રાજય સરકાર દ્વારા માત્ર 1 હજાર રૂપિયામાં 8 હજારની કિમંતનું ટેબલેટ આપવામાં આવતું હોય છે. 2019 ના ડિસેમ્બર મહિનામાં વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાની શરૂઆત થઇ હતી. જોકે તે પ્રક્રિયા માર્ચ મહિના સુધી ચાલી હતી. 2020 ના માર્ચમાં કોરોના લોકડાઉનના પગલે અંદાજીત 1100 જેટલા વિદ્યાર્થીઓ ટેબલેટથી વંચિત રહી ગયા હતા.

2021 માં પરિસ્થીતી થાળે પડયા પછી પણ ટેબલેટના કોઇ ઠેકાણાં ના પડતા એક મહિના અગાઉ જ યુનિવર્સિટી દ્વારા જે વિદ્યાર્થીઓને ટેબલેટ મળ્યા નથી તેવા વિદ્યાર્થીઓને તેના રૂપિયા પરત આપી દેવાનો નિર્ણય કર્યો હતો. જોકે થોડા દિવસો અગાઉ જ રાજય સરકાર દ્વારા સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં ટેબલેટનો નવો સ્ટોક આવી જશે તેવી જાહેરાત કરી હતી. જેના પગલે હવે યુનિવર્સિટી દ્વારા જે વિદ્યાર્થીઓને ટેબલેટ મળ્યા નથી તેવા વિદ્યાર્થીઓને રૂપિયા પરત આપવાની જગ્યાએ ટેબલેટ આપવાનો નિર્ણય કર્યો છે.

2019 માં પ્રથમ વર્ષમાં ટેબલેટ માટે રૂપિયા ભરનાર વિદ્યાર્થીઓ અત્યારે તો ટીવાય બીકોમમાં આવી ગયા છે. ગત વર્ષે કોરોના મહામારી દરમિયાન ઓનલાઇન શિક્ષણ સમયે જ વિદ્યાર્થીઓને સૌથી વધારે ટેબલેટની જરૂરીયાત હતી જોકે તે સમયે જ વિદ્યાર્થીઓ ટેબલેટથી વંચિત રહી ગયા હતા. ગત વર્ષે 2020ના કોરોના કાળમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને ટેબલેટ આપાવામાં આવ્યા નથી. આ વિદ્યાર્થીઓ અત્યારે બીજા વર્ષમાં પ્રવેશી ચૂકયા છે. તેવી જ રીતે 2021 ચાલુ વર્ષમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ માટે પણ કોઇ જાહેરાત કરાઇ નથી. જેથી આ વિદ્યાર્થીઓને ટેબલેટનો લાભ મળશે કે નહિ તે અંગે ભારે અનિશ્ચિતા પ્રવર્તી રહી છે.એમ સૂત્રોએ ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...