વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં કાર્યરત મધર મિલ્ક બેંકમાં અઢી વર્ષમાં 11 હજાર માતાઓએ 1050 લિટર ધાવણનું દાન કર્યું છે. જે માતાના દૂધથી વંચિત 2220 નવજાત શિશુઓ માટે જીવન રક્ષક અમૃત પુરવાર થયું છે. આજે મધર મિલ્ક બેંકમાં આંતરરાષ્ટ્રીય માતૃ દૂધ દાન દિવસની ઉજવણી પ્રસંગે સ્ટાર ડોનર તરીકે 5 ધાવણ દાતા મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં બાળ રોગ સારવાર તબીબોના વડોદરાના મંડળના પદાધિકારીઓ પણ જોડાયાં હતા. બાળ સારવાર વિભાગના વડા ડો.શીલા ઐયરે જણાવ્યું હતું કે, ધાવણ દાતા મહિલાઓમાં સયાજી હોસ્પિટલની નર્સિંગ સ્ટાફની બહેનોનો પણ સમાવેશ થાય છે.
આ મહિલાઓએ સૌથી વધુ દૂધનું દાન કર્યું
સ્ટાર ડોનર તરીકે જેમનું સન્માન કરવામાં આવ્યું તેમાં સીતા ડામોરે7835 એમ.એલ. મહેજબીન સૈયદે 2546 એમ.એલ., ફરહિન શેખે1979 એમ.એલ., અને શકીલા વસાવાએ 2778 એમ.એલ. દૂધ દાન કર્યું હતું. આ ઉપરાંત અદિતિ પટેલે 3336 એમ. એલ., અને સુમન ઠાકોરે2876 એમ.એલ. દૂધ ઘેર રહીને દાન આપ્યું હતું. માતાના દૂધનો કોઈ જ વિકલ્પ નથી અને એટલે જ નવજાત બાળક માટે માતાનું પ્રથમ ધાવણ અને પહેલા 6 મહિના માટે માતાનું દૂધ અમૃતથી અદકેરું ગણાય છે. માતાને ધાવણ ઓછું આવે કે ન આવે કે અન્ય કોઈ કારણસર માતાનું દૂધ તાજા જન્મેલા બાળકને ન મળે તો શું થાય?
મધર મિલ્ક બેંક છેલ્લા 30 મહિનાથી કામ કરે છે
સયાજી હોસ્પિટલના રૂકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહમાં મધર મિલ્ક બેંક છેલ્લા 30 મહિનાથી કામ કરી રહી છે.આ મંગલમય સંસ્થાની સ્થાપના નેશનલ હેલ્થ મિશનની ગ્રાન્ટની મદદ કરવામાં આવી એવી જાણકારી આપતાં બાળ સારવાર વિભાગના વડા ડો.શીલા ઐયર જણાવે છે કે, આ બેંક ધાવણ દાનથી મળેલુ માતૃ દૂધ, તેનાથી વંચિત અને આ હોસ્પિટલમાં જન્મેલા નવજાત શિશુઓ ને પૂરું પાડે છે. વડોદરામાં માતાના વ્હાલ ની ડિપોઝિટ સ્વીકારી અમૃત પૂરું પાડતી આવી બેંકની સુવિધા દાયકાઓ પહેલા કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી હતી એ અત્રે નોંધવા જેવું છે.
હવે ઉપરના સવાલના જવાબ ચકાસીએ. અહીં બે વિરોધાભાસ છે. પ્રસૂતિ પછી ઘણી માતાઓને દૈહિક કારણોસર ઘણીવાર ધાવણ ઓછું આવે છે કે આવતું જ નથી. તે સમયે નાછૂટકે આવા તાજા જન્મેલા બાળકને બકરીનું કે અન્ય પ્રકારનું દૂધ આપવું પડે છે જે તેના વિકાસ માટે બહુ ઉચિત નથી. બીજી તરફ કેટલીક માતાઓને પોતાના બાળકને પેટભરીને ધવડાવ્યા પછી પણ વધે એટલું વિપુલ દૂધ આવે છે.
આંતરરાષ્ટ્રીય માતૃ દૂધ દાન દિવસની ઉજવણી
આ બંને વિરોધાભાસના ઉકેલરૂપે માતૃ દૂધ બેંકની નવતર સંસ્થા વિકસી છે. ડો.શીલા ઐયર જણાવે છે કે, આ સંસ્થા વિષયક સામાજિક જાગૃતિ કેળવવા દર વર્ષે 19 મેના રોજ આંતરરાષ્ટ્રીય માતૃ દૂધ દાન દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેની શરૂઆત બ્રાઝિલે 2004માં કરી હતી. તેનો આશય વધારાનું ધાવણ કોઈના બાળકની જિંદગી માટે દાનમાં આપી શકે તેવી પ્રેરણા માતાઓને આપવાનો છે.આ પારકા માટે વ્હાલની સરવાણી વહેવડાવનારી માતાઓ ની નિસ્વાર્થ સેવાઓને બિરદાવવાનો દિવસ છે.
દૂધના સુરક્ષિત સંગ્રહની જરૂરી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે
સયાજી હોસ્પિટલની આ મોમ સર્વગ્રાહી ધાવણ પ્રબંધન કેન્દ્ર તરીકે કાર્યરત છે, જ્યાં બહેનોને ધાવણની અગત્યતા, સાચી રીત સમજાવવામાં આવે છે. આ ધાવણ દાનનો સ્વીકાર આરોગ્ય વિષયક ચકાસણી અને તકેદારીઓ પાળીને કરવામાં આવે છે. તેના સુરક્ષિત સંગ્રહની જરૂરી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.