એક તરફ મધ્યાહન ભોજનમાં સરકાર દ્વારા બાળકો દીઠ ઓછું બજેટ આપવાના અહેવાલો પ્રસિદ્ધ થાય છે, ત્યાં હવે વડોદરાની 399 આંગણવાડીઓમાં 10 હજારથી વધુ બાળકોને પાંચ દિવસથી નાસ્તો કે ભોજન આપવામાં આવ્યું નથી, તેવી ઘટના સામે આવી છે. તેમજ 31 માર્ચ બાદ તેલનો જથ્થો પણ વડોદરાની આંગણવાડીઓ માટે સરકારે મોકલ્યો નથી.
પાલિકાના વિપક્ષના નેતાએ રિયાલિટી ચેક કર્યું
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા અમી રાવતે આજે શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલી આંગણવાડીની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે પત્રકારોને પણ બોલાવ્યા હતા અને આંગણવાડીના બાળકોને છેલ્લા પાંચ દિવસથી ભોજન નથી મળ્યુ હોવાનું રિયાલિટી ચેક કર્યું હતું. સાથે જ આ દરમિયાન જણાવ્યું હતું કે, વડોદરામાં તેલનો જથ્થો પણ આંગણવાડી માટે આવ્યો નથી.
બાળકો ભૂખ્યા થાય એટલે આંગણવાડીમાં બેસતા નથી
વડોદરામાં વિરોધ પક્ષના નેતા અમીબેન રાવતે જણાવ્યું હતું કે, સ્થાનિક લોકોની અમને ફરિયાદ આવી હતી કે, છેલ્લા ત્રણ-ચાર દિવસથી આંગણવાડીમાં નાસ્તો આપવામાં આવતો નથી. તપાસ કરતા ખબર પડી કે 31 માર્ચથી રાજ્ય સરકાર દ્વારા તેલનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. એટલે જે અક્ષય પાત્ર સહિતની એજન્સીઓ દ્વારા વડોદરમાં 399 આંગણવાડીઓમાં 10 હજારથી વધુ બાળકોને છેલ્લા ત્રણ-ચાર દિવસથી નાસ્તો આપવામાં આવ્યો નથી. આજે સ્થળ મુલાકાત કરતા હકીકત ખબર પડી છે કે, છેલ્લા પાંચ દિવસથી આંગણવાડીમાં નાસ્તો આપવામાં આવ્યો નથી. તેથી બાળકો ભૂખ્યા થાય એટલે આંગણવાડીમાં બેસતા નથી.
મેયરને લેખિત રજૂઆત કરીશું
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, એક બાજુ ગુજરાત સરકાર સૌ ભણશે સૌ ગણશેના સૂત્રો આપતી હોય, કુપોષણને દૂર કરવાની વાતો કરતી હોય પણ કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. 15 દિવસથી તેલનો પુરવઠો ન આવે તો આંગણવાડીમાં નાસ્તો કઇ રીતે અપાય? આવી જ સ્થિતિ કદાચ બીજા શહેરોમાં અને વડોદરાની આજુબાજુના જિલ્લાઓમાં હશે કે નહીં તે તપાસનો વિષય છે. આ અંગે મેયરને લેખિત રજૂઆત કરીશું. શહેરના મ્યુનિસિપલ કમિશનર પર તેમની જવાબદારીમાંથી ચુક્યા છે. પાંચ દિવસથી નાસ્તો ન મળતો હોય, તેલનો પુરવઠો ન હોય તેની વૈકલ્પિક વ્યવસ્થા તેમની ફરજ હતી.
ઢાંકપીછોડો કરવા ભોજન લઇને આવ્યા પણ પોલ ખુલી ગઇ
વિરોધ પક્ષના નેતા નવાયાર્ડ ખાતે આંગણવાડીમાં પહોંચ્યા હોવાની તંત્રને જાણ થતાં જ ભોજન પુરુ પાડતી એજન્સીનો એક વ્યક્તિ ત્યાં પહોંચ્યો હતો અને સમગ્ર ઘટના હળવાશમાં રહે તેવો પ્રયાસ કર્યો હતો. જો કે, ભોજન લઇને આવતા વ્યક્તિએ આંગણવાડીમાં મહિલાકર્મી પાસે સહી કરવાવા ચેક લિસ્ટ આપ્યું તો સમગ્ર લિસ્ટમાં કોઇપણ આંગણવાડીમાં તે વ્યક્તિ ગયો ન હતો અને બપોરે પોણા બાર વાગ્યે તે આ માત્ર એક જ આંગણવાડીમાં પહેલો આવ્યો હતો. હવે સવાલો એ પણ છે કે, જો આંગણવાડીમાં બપોરે પોણા બાર વાગ્યે ભોજન અપાય તો બાળકો આટલો બધો સમય સુધી કેવી રીતે ભૂખ્યા રહી શકે અને બીજુ કે હજુ તો આ પહેલી આંગણવાડી હતી અને અનેક આંગણવાડીઓમાં ભોજન પહોંચાડવાનું બાકી હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.