એટેન્ડન્ટની અવળચંડાઇ:એટેન્ડન્ટે બીડી પીતાં ટ્રેનમાં એલાર્મ વાગ્યું 100 યાત્રી ઉતરીને બીજા ટ્રેક પર પહોંચ્યા

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ચીસોથી ટ્રેનના અન્ય કોચના લોકો ગભરાયા
  • ટ્રેન પાલેજ પાસે આપોઆપ જ ઉભી રહી ગઇ, એટેન્ડન્ટની અટકાયત

ગુરુવારે રાત્રે અમદાવાદથી મુંબઈ જઈ રહેલી ગુજરાત મેલ ટ્રેનમાં મોડી રાત્રે મુસાફરો મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે થર્ડ એસી કોચમાં અચાનક ફાયર એલાર્મ વાગતા ટ્રેન અટકી ગઈ હતી. જે કોચમાંથી એલાર્મ વાગ્યું હતું તેમાં મુસાફરોના જીવ પડી કે બંધાયા હતા અને ગણતરીની સેકન્ડોમાં મુસાફરો કોચ છોડી ટ્રેક ઉપર આવી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગળ એલાર્મ ક્યા કારણોસર વાગ્યું તે ચેક કરવા માટે ટીસી જતા કોચના એટેન્ડન્ટે બીડી પીવાને પગલે આ ઘટના સર્જાઇ હોવાનું બહાર આવ્યું હતું.

ઘટના અંગે રેલ્વે દ્વારા જાણવા મળ્યા મુજબ ગુજરાત મેલ એક્સપ્રેસ વડોદરા-ભરુચ વચ્ચે પાલેજ નજીક પસાર થઈ રહી હતી. ત્યારે રાત્રે 1 વાગ્યાના અરસામાં થર્ડ એસીના બી-3 કોચમાં અચાનક ફાયર એલાર્મ વાગ્યુ હતું. જેને પગલે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો અને મુસાફરો પોતાના સામાન સાથે જ નીચે ઉતરવા લાગ્યા હતા.

બીજી તરફ ટ્રેક ઉપર ઉતરેલા મુસાફરોના જીવ પણ જોખમમાં મુકાય તેવી સ્થિતિ હતી. બીજા ટ્રેક ઉપર ટ્રેન આવતી હોવાથી મુસાફરોને સાચવવાની જવાબદારી પણ ટ્રેનમાં રહેલા ટીસીની હતી. તપાસ કરવા પહોંચેલા ટીસીએ જોયું કે કોચ એટેન્ડન્ટ ખાનગી કંપનીના કર્મચારી જયેશ જયંતીભાઈ દ્વારા બીડી પીવાને પગલે તેના ધુમાડાથી ફાયર એલાર્મ વાગ્યું હતું. આખરે મુસાફરોને સમજાવીને 15 મિનિટ બાદ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. બનાવ અંગે આરપીએફ દ્વારા કોચ એટેન્ડન્ટની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બાજુના ટ્રેક ઉપર ટ્રેન આવતી હોવાથી ટીસીએ દોટ મૂકી
ટ્રેનમાં આગ લાગી હોવાની શંકાથી મુસાફરો ચીસો પાડી સામાન લઈ ટ્રેનમાંથી ઉતરી બીજા ટ્રેક પર ગયા હતા તો રાત્રે 1 વાગે બીજા ટ્રેક ઉપર આવી રહેલી ટ્રેનને પગલે ટીસીનો જીવ અધ્ધર થયો હતો. તુરંત મુસાફરોને ટ્રેક પરથી ખસી જવા સમજાવી દુર્ઘટના અટકાવી હતી.

એલાર્મ વાગતાં જ આકસ્મિક સંજોગોમાં ટ્રેન અટકી જાય છે
નવા એલએચબી કોચમાં ફાયર એલાર્મ હોય છે. વાગતાં ટ્રેન જાતે અટકે છે, દુર્ઘટના થતા પહેલાં જ યાત્રીને ખસેડી શકાય છે. આ ઘટનામાં બીડી પીવાથી એલાર્મ વાગ્યું હતું. કાર્યવાહી કરી છે. > પ્રદીપ શર્મા, PRO, રેલવે વડોદરા

અન્ય સમાચારો પણ છે...