વડોદરાના ક્રાઇમ ન્યૂઝ:સગીરા પર દુષ્કર્મ કેસમાં 10 વર્ષની કેદ, હાઈવે પર બે કારમાંથી દાગીના ચોરનાર ઝડપાયા, 33 લાખની ઠગાઇ કરનારની ધરપકડ

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • ફેસબુક પર આધેડ સાથે યુવતીના નામે મિત્રતા કરી ઠગાઇ કરનાર બે યુવક પકડાયા

વડોદરાના હાથીખાના માર્કેટમાં સગીરા પર દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને 10 વર્ષની કેદની સજા તેમજ પાંચ હજારનો દંડ તથા દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ મહિનાની સજાનો હુકમ કર્યો છે. વર્ષ 2018માં સગીરા વડોદરાના હાથીખાના માર્કેટમાં મસાલાની દુકાનમાં નોકરી પર હાજર હતી. આ દરમિયાન દુકાનમાં સાથે કામ કરતો સોનું મોહનસિંહ રાજપૂત (ડોડિયા)એ સગીરાને દુકાનની દાદરની બાજુમાં લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે સગીરાએ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરી કોર્ટમાં તેની સામે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. આ કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી સોનું રાજપૂતને 10 વર્ષની કેદ તેમજ પાંચ હજાર રૂપિયા દંડ અને આરોપી દંડ ન ભરે તો ત્રણ મહિનાની વધુ સજાનો હુકમ કર્યો છે.

બે કારમાંથી સોનાના દાગીના ચોરનાર મોહંમદ યાકુબ અને અહેમદખાન ઉર્ફે શાહરૂખ.
બે કારમાંથી સોનાના દાગીના ચોરનાર મોહંમદ યાકુબ અને અહેમદખાન ઉર્ફે શાહરૂખ.

હાઇવે પર મર્સિડીઝ સહિત બે કારમાંથી સોનાના દાગીના ચોરનાર રીઢા ગુનેગાર ઝડપાયા
બે દિવસ અગાઉ મર્સિડીઝ કારમાં સુરતથી મહેસાણા અને અન્ય એક કારમાં રાજસ્થાનથી સુરત જઈ રહેલા બે પરિવાર વડોદરા નેશનલ હાઈવે પર ગીરનાર હોટલના પાર્કિંગમાં કાર પાર્ક કરી જમવા માટે ગયા હતા. આ દરમિયાન બંન્નેની કારના કાચ તોડી કારમાંથી 8 લાખ 15 હજારની કિંમતના દાગીનાની ચોરી થઈ હતી. આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સોમા તળાવ બ્રિજ પાસે વોચ ગોઠવી હતી.

આ દરમિયાન શંકાસ્પદ ટાટા ઇન્ડીગો કારમાં સવાર મોહંમદયાકુબ ઉર્ફે મોહંમદસલીમ ઉર્ફે કાજબ અહેમદહુસેન શેખ (રહે. રમઝાન પાર્ક, તાંદલજા, વડોદરા. મૂળ રહે. નાલબંધવાડા, વડોદરા) અને અહેમદખાન ઉર્ફે શાહરૂખ શોકતખાન પઠાણ (રહે. રહાડપોર ચાવજ રોડ, ભરૂચ. મૂળ રહે. યાકુતપુરા, જૂનીગઢી, વડોદરા)ને અટકાવ્યા હતા. તેમની પાસે રહેલ સોનાના દાગીના અને રોકડ વિશે પૂછતા તેઓ પાસે તેની માલિકી અંગેના કોઇ પુરાવા ન હતા. જેથી પોલીસે કડક પૂછપરછ કરતા બંને સ્વીકાર્યું હતું કે તેઓએ ગીરનાર હોટલના પાર્કિંગમાં બે કારમાંથી સોનાના દાગીના અને મુદ્દામાલની ચોરી કરી હતી.

ખોડિયાર હોટલ પાસે કારમાં ચોરીનો પર્દાફાશ
આરોપીઓએ એમ પણ સ્વીકાર્યું હતું કે ગત ઓક્ટોબર મહિનામાં જામ્બુવા ખાતે ખોડિયાર હોટલ પાસે પાર્ક કરેલ કારમાંથી પણ તેમણે સોનાના દાગીના અને રોકડની ચોરી કરી હતી. પોલીસે બંને આરોપીઓની સોનાના દાગીના અને કાર મળી કુલ 10 લાખ 69 હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.

બંને રીઢા ગુનેગાર
પોલીસે ઝડપી લીધેલા મોહંમદ યાકુબ અને અહેમદખાન ઉર્ફે શાહરૂખ રીઢા ગુનાગાર છે. અહેમદખાન સામે માંજલપુર, પાણીગેટ, ભરુચ, સમા, ગોત્રી, જે.પી.રોડ, ગોરવા, કારેલીબાગ, બાપોદ, વલસાડ, નવસારી સહિત જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં 23 ગુના નોંધાયેલા છે. જ્યારે શાહરૂખ સામે માંજલપુર, પાણીગેટ, જે.પી. રોડ, સોલા હાઇકોર્ટ, વસ્ત્રાપુર સહિત જુદાજુદા પોલીસ સ્ટેશનોમાં 11 ગુના નોંધાયેલા છે.

નાની બચતના નામે ઠગાઇ કરનાર સંજય જોશી.
નાની બચતના નામે ઠગાઇ કરનાર સંજય જોશી.

સીવીકે પરિવાર નિધિ લિમિટેડના નામે ઠગાઇ કરનાર ઝડપાયો
વડોદરામાં વર્ષ 2019માં સીવીકે પરીવાર નિધિ લિમિટેડ નામની કંપની શરૂ કરી 33 લાખ 55 હજારની ઠગાઇના કેસમાં આરોપી સંજય જોશીને શહેર ક્રાઇમ બ્રાન્ચે ગાંધીનગરથી ઝડપી લીધો છે.સંજય જોશીએ વર્ષ 2019માં વડોદરાના ગાંધીનગર ગૃહ પાસે કંપની શરૂ કરી હતી જેમાં અનેક રોકાણકારોને નાની બચતના રોકાણ કરાવી ઉંચા વ્યાજની લાલચ આપી હતી. જ્યાર બાદ રોકાણકારોના રૂપિયા લઇ તે ફરાર થઇ ગયો હતો. વડોદરા ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી આરોપી સંજય જોશી (મૂળ રહે. પસવાદલ ગામ, તા. વડગામ, જીલ્લો બનાસકાંઠા) ગાંધીનગરના ઇન્ફોસિટીમાં આવેલ હોટલ ક્રિષ્નામાંથી ઝડપી લીધો છે.

ઓનલાઇન ઠગાઇ કરનાર આકાશ લાલવાણી અને જય શર્મા.
ઓનલાઇન ઠગાઇ કરનાર આકાશ લાલવાણી અને જય શર્મા.

ફેસબુક પર આધેડ સાથે યુવતીના નામે મિત્રતા કરી ઠગાઇ કરનાર બે યુવક પકડાયા
શહેરના એક આધેડને મીરા શાહના નામે ફેસબુક પર મિત્રતા કેળવી તેના બિભત્સ ફોટો મંગાવી તેને વાયરલ કરી દેવાની ધમકી આપી અજાણ્યા શખ્શોએ 2 લાખ 94 હજાર રૂપિયા ટ્રાન્જેક્શન કરાવી લીધા હતા. આ મામલે આધેડે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે આકાશ ભગવાનદાસ લાલવાણી (રહે. વારસીયા, વડોદરા) અને તેના સાથીદાર જય કાંતિભાઇ શર્મા (રહે. વારસીયા, વડોદરા)ને ઝડપી લીધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સાયબર ક્રાઇમના બંને આરોપીઓમાંથી આકાશ લાલવાણી સામે અગાઉ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, ઝૂમ કાર એપ્લીકેશન દ્વારા ગાડી મેળવી બારોબાર વેચી દેવાના કેસમાં પાણીગેટ પોલીસ સ્ટેશન અને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગનો ગુનો નોંધાયેલો છે.