શહેરમાં વસતા અઢી લાખ લોકોની સવારની “ચા’ની ચુસ્કી હવે મોંઘી બનશે. સતત વધતી મોંઘવારીની અસર હવે છેવાડાના શ્રમિકો અને મજુરાત વર્ગ ઉપર પણ પડશે. વડોદરા હોકર્સ એસોસિએશન દ્વારા હવે લારી-કેબિનો ઉપર વેચાતી ચા ના ભાવ વધારવાનો નિર્ણય લેવાયો છે. અગાઉ 5 રૂપિયામાં મળતા ચાના નાના કપના હવે 10 રૂપિયા કરવાનો નિર્ણય લારી ગલ્લાધારકોની માંગને પગલે એસોસિએસને લીધો છે.
શુક્રવારે સાંજે લીધેલા નિર્ણયનો અમલ રવિવાર સવારથી થશે જેના પગલે ચા ના શોખીનોને હવે લિજ્જત લેવા વધારે રુપિયા ખર્ચવા પડશે. હોકર્સ એસો.ના પ્રમુખે જણાવ્યું છે કે શહેરમાં 20 હજાર ઉપરાંત ખાણીપીણીની લારીઓ-કેબિનો છે. જેમાંથી 12 હજાર જેટલી રજિસ્ટર્ડ છે. જેમાં આમલેટ, ચાઇનીસ, ચા, ભેળ, પાણીપુરી, પાઉંભાજી સહીત અન્ય ખાદ્યપદાર્થ વેચવામાં આવે છે. તાજેતરમાં મોંઘવારીમાં ભારે વધારો થયો છે. ખાસ કરીને પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા દરેક જીવનજરૂરી વસ્તુના ભાવ વધ્યા છે, જેમાં દૂધ શાકભાજી સહીત અન્ય ખાદ્યપદાર્થોના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે રાંધણ ગેસના ભાવ પણ વધતાં લારી ગલ્લા ચાલકોને ધંધા ચલાવા મુશ્કેલ બન્યાં છે. ચા ની લારીઓના સંચાલકોની વાત કરીએ તો ચા માટે સૌથી પહેલા જરૂરી દૂધના ભાવ તાજેતરમાં બે વાર વધ્યા છે.
અગાઉ 44 રૂપિયે લીટર મળતું દૂધ હવે 54 રૂપિયે પહોંચ્યું છે. કોમર્શિયલ ગેસનો બોટલ અગાઉ 1200નો હતો તેના આજે 1800 ખર્ચવા પડે છે. એ ઉપરાંત ખાંડ, મસાલા અને ચા પત્તી તેમજ આદુ-ફુદીનાના ભાવમાં વધારો થતા ના છૂટકે હવે ચા નો ભાવ વધારવાની ફરજ પડી છે.
કેફે અને ચેઇન રેસ્ટોરાંમાં તો અગાઉથી ચાનો ભાવ 20થી વધારી 35 કરાયો
યુવાનો અને વિદ્યાર્થીઓમાં ચા પીવા માટેના પસંદગીના નાના કેફેમાં ચા ના ભાવ અગાઉ 20 હતા એ 35 કરી દેવાયા છે અને શોખીનો પીવે જ છે. જ્યારે વિદેશી ચેઇન કેફેમાં ચા ના ભાવ 350 રૂપિયા છે. એક અંદાજ પ્રમાણે શહેરમાં 3 લાખ કપ જેટલી ચા લોકો લારી કીટલી કેબીન કે કેફેમાં જઈને પીવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.