કમોસમી વરસાદી માહોલમાં વડોદરાના પાદરામાં મુખ્ય માર્ગ ઉપર 10 ફૂટ લાંબો મગર ધસી આવતા કૂતુહલવશ લોકોના ટોળા લટાર મારી રહેલા મગરને જોવા ઉમટી પડ્યા હતા. દરમિયાન રોડ ઉપર ફરી રહેલા મગરની જાણ રેસ્ક્યૂ ટીમને કરવામાં આવતા બાઇકની લાઇટનો અજવાળે મગરને ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
અંધારુ હોવાથી રેસ્ક્યૂ ટીમ મુશ્કેલીમાં મૂકાઇ
વડોદરા જિલ્લાના પાદરામાં માર્કેટ રોડ ખાતે આવેલ આંબાવાડી નજીક મુખ્ય માર્ગ પર 10 ફૂટ લાંબો મગર લટાર મારવા નીકળતો જોવા મળ્યો હતો. મગર રોડ પર લટાર મારતા નજરે ચડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જે બાદ આસપાસના લોકો દ્વારા મગરની જાણ રેસ્ક્યૂ ટીમને કરવામાં આવતા ગણતરીની મિનીટોમાં રેસ્ક્યૂ ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. જોકે, અંધારાના કારણે કશું ન દેખાતા રેસ્કયૂ ટીમ દ્વારા બાઈકોની લાઈટ ચાલુ કરી મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું,
ચારે બાજુથી લાઇટ મારી રેસ્ક્યુ
રેસ્ક્યુ ટીમ દ્વારા ચારેય બાજુથી બાઈકની લાઈટોથી મગરને ઘેરી લીધો હતો. જે બાદ કલાકોની ભારે જહેમત બાદ 10 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. મુખ્ય માર્ગ પર મગર આવી ચડતા મોટી સંખ્યામાં લોકો જોવા ઉમટી પડ્યા હતા. બીજી તરફ મગરનું રેસ્ક્યૂ થતા આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો
વિશ્વામિત્રીમાં મોટી સંખ્યામાં મગરો
ઉલ્લેખનિય છે કે, વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી મગરોના ઘર તરીકે ઓળખવામાં આવે છે. જેમાં 1000 જેટલા મગરો વસવાટ કરે છે. ત્યારે વિશ્વામિત્રી નદીમાં ચોમાસા દરમિયાન પાણી ભરાતા મગરો રસ્તા પર નીકળી જતા જોવા મળતા હોય છે. શિયાળા તેમજ ઉનાળાની ઋતુમાં પણ સતત કમોસમી વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. જેને પગલે ગઈકાલે પણ વડોદરા શહેરમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ત્યારે પાદરામાં માર્કેટ રોડ ખાતે આવેલ આંબાવાડી નજીક મુખ્ય માર્ગ પર 10 ફૂટ લાંબો મગર ધસી આવતા લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.