10ને ભરખી જનાર અકસ્માતમાં વધુ એક પુત્ર ગુમાવ્યો:અગાઉ એક પુત્રનું મોત થયું ને હવે બીજો પુત્ર ગુમાવ્યો, આ વર્ષે લગ્નની ઈચ્છા હતી, પરિવારના આક્રંદથી વડોદરાની હોસ્પિટલ ગમગીન

વડોદરા2 મહિનો પહેલાલેખક: રોહિત ચાવડા

વડોદરા શહેરના દરજીપુરા ખાતે આજે બપોરે કન્ટેનરે છકડાને કચડી નાખતા ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં 10 લોકોનાં મોત થયાં હતાં. મુસાફરોને લઈને નીકળનાર છકડાચાલકનું પણ અકસ્માતમાં મોત થયું હતું. છકડાચાલક પરિવારમાં અગાઉ પણ એક પુત્રનું મોત થયું હતું અને આજે બીજા પુત્રનું મોત થતાં પરિવારજનોએ સયાજી હોસ્પિટલમાં આક્રંદ કર્યું હતું.

મૃતક રિક્ષચાલકની ફાઈલ તસવીર.
મૃતક રિક્ષચાલકની ફાઈલ તસવીર.

મુસાફરોને લઈને કપુરાઈ તરફ જવા નીકળ્યો
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વજેરિયા ગામના મૂળ વતની અને છેલ્લાં કેટલાંક વર્ષોથી વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં આવેલા ભગવતીનગરમાં રહેતા વીરપાલસિંહ સુરેન્દ્રસિંહ ચાવડા (ઉં.વ. 22) પોતાનાં માતા-પિતા સાથે રહેતો હતો. રોજ પ્રમાણે વીરપાલસિંહ આજે સવારે 9:00 વાગે પોતાનો છકડો લઈને ધંધાર્થે નીકળ્યો હતો. રોજ ગોલ્ડન ચોકડીથી કપુરાઈ ચોકડી સુધી મુસાફરોને લાવવા લઈ જવાનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આજે બપોરે 11:30 વાગ્યાના સુમારે 14 જેટલા મુસાફરોને લઈને કપુરાઈ તરફ જવા નીકળ્યો હતો.

માતાનું હોસ્પિટલમાં હૈયાફાટ રુદન.
માતાનું હોસ્પિટલમાં હૈયાફાટ રુદન.

બે બાળકો સહિત 10 લોકોનાં કમકમાટી ભર્યાં મોત
દરજીપુરા પાસે રોંગ સાઈડ પર આવી રહેલા કન્ટેનરે તેઓના છકડાને અડફેટમાં લઈ કન્ટેનર એરપોર્ટની દીવાલ તોડીને ઘૂસી ગયો હતો. કન્ટેનરની સાથે મુસાફરો સવાર છકડો પણ ઢસડાયો હતો. જેમાં બે બાળકો સહિત 10 લોકોનાં કમકમાટીભર્યાં મોત થયાં હતાં. જેમાં છકડાચાલક વીરપાલસિંહ ચાવડા પણ બચી શક્યો ન હતો.

પિતા પુત્રના મોતથી સ્તબ્ધ.
પિતા પુત્રના મોતથી સ્તબ્ધ.

માતા અને પિતા દીકરીનો મૃતદેહ જોઈ સ્તબ્ધ
વીરપાલસિંહનું અકસ્માતમાં મોત થયું હોવાના સમાચાર માતા-પિતાને મળતા તેઓ સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યાં હતાં. જ્યાં પોતાના પુત્રનો મૃતદેહ જોતા પિતા સુરેન્દ્રસિંહ અને માતા ગીતાબેન સ્તબ્ધ બની ગયાં હતાં. તેઓના રુદનથી હોસ્પિટલમાં સન્નાટો પાથરી દીધો હતો.

પુત્રનાં લગ્નની ઈચ્છા પૂરી ન કરી શક્યાં.
પુત્રનાં લગ્નની ઈચ્છા પૂરી ન કરી શક્યાં.

પિતાએ કહ્યું- આ વર્ષે પુત્રનાં લગ્નની ઈચ્છા હતી
પુત્ર વીરપાલસિંહને ગુમાવનાર સુરેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, અગાઉ મારા એક પુત્રનું અવસાન થયું હતું, આજે મારો બીજો આધાર પણ છીનવાઈ ગયો છે. અમારો આ પુત્ર પરિવારનો આધાર હતો. તેઓ માટે અમો અમારા સમાજની છોકરીઓ પણ લગ્ન માટે જોઈ રહ્યાં હતાં. આ વર્ષે તેનાં લગ્ન લેવાનાં અમે સપનાં જોઈ રહ્યાં હતાં પરંતુ અમે અમારા પુત્રનાં લગ્નની ઈચ્છા પૂરી કરી શક્યાં નથી.