કેન્દ્રીય માર્ગ પરિવહન વિભાગ દ્વારા તાજેતરમાં એક નોટિફિકેશન જાહેર કરી સબ સ્ટાન્ડર્ડ હેલમેટનો ઉપયોગ બંધ થાય તે માટે નવા નિયમો જાહેર કર્યા છે. જો કોઇ વાહનચાલક પાસે 1 કિલો 200ગ્રામ થી વધુ વજનનું હેલમેટ હશે તો તેની પાસેથી એક હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે.
અત્યાર સુધી હેલમેટના વજન બાબતે કોઈ સ્ટાન્ડર્ડ નક્કી ન હતું
અત્યાર સુધી સબ સ્ટાન્ડર્ડ માપદંડો આધારિત બનાવાયેલા હેલમેટનું વિશેષ ચલણ હતું. જો કે માર્ગ અકસ્માતોમાં મૃત્યુ ના બનાવોમાં ખાસ ઘટાડો જોવા ન મળતાં હવે નવા નિયમો સાથે હેલમેટ બનાવવા માટે હેલમેટના ઉત્પાદકોને પણ જણાવી દેવામાં આવ્યું છે. અત્યાર સુધી હેલમેટના વજન બાબતે કોઈ સ્ટાન્ડર્ડ નક્કી ન હતું. જેથી હવે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા હેલમેટને ભારતીય માનક બ્યુરોના સ્ટાન્ડર્ડ મુજબ બનાવવાનું નક્કી કરાયું છે અને ભારતીય માનક બ્યુરોની અનિવાર્ય સૂચિમાં પણ વજન ને સામેલ કરવામાં આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પરિવહન વિભાગ , ટ્રાફિક પોલીસ સહિતની સરકારની વિવિધ એજન્સીઓ હવે વાહન ચેકિંગ દરમિયાન હેલમેટના વજન ની પણ ચકાસણી કરશે. જો હેલમેટનું વજન 1.2 કિલોથી વધુ હશે તો વાહન ચાલક પાસેથી એક હજાર રૂપિયાનો દંડ કરાશે. આ ઉપરાંત હેલમેટને અનિવાર્ય સુચીમાં સામેલ કરવામાં આવ્યા બાદ જો કોઈ હેલમેટ ઉત્પાદક કંપનીઓ સબ સ્ટાન્ડર્ડ હેલમેટનું બનાવતી હશે તો એવી કંપનીઓ સામે પણ બે લાખ રૂપિયાનો દંડ અને છ મહિનાની સજા ની જોગવાઈ કરાઇ છે.
હેલ્મેટમાં એર વેન્ટિલેટર હોવું ફરજિયાત બનાવાયું
હવે ઓછા વજન વાળા હેલમેટ પહેરવા પડશે. હેલમેટમાં ફરજિયાત એર વેન્ટિલેટર હોવું પણ જરૂરી છે, ઓછું વજન હોવાની સાથે-સાથે હવાની અવર-જવર થઇ શકે તે માટે આ પ્રકારની વ્યવસ્થા હોવી જરૂરી છે. મોટાભાગના વાહનચાલકો અત્યારે હલકી કક્ષાના હેલમેટ પહેરતા હોવાનું બહાર આવ્યું છે. હેલમેટને હવે અનિવાર્ય સૂચિમાં સામેલ કરવામાં આવતા પરિવહન વિભાગ પણ કાર્યવાહી કરી શકશે.
અંદરની સાઇડ વોશેબલ મટિરિયલ પણ હોવું જરૂરી
હેલમેટની ઇમ્પેક્ટ કેપીસીટી વિશે પણ વિચારવું જોઈએ. જેથી વાહન ચાલકોને હેલમેટ પહેરવા માં કોઈ તકલીફ ન પડે આ ઉપરાંત હેલમેટની અંદર વોશેબલ મટીરીયલ હોવું જરૂરી છે. ગરમીમાં ચાલકો આ મટીરીયલ બહાર કાઢીને ધોઈ શકે, જેથી રિમુવેબલ થીન લેયર મટીરીયલ હોવું જોઈએ, કારણ કે લોકો ગરમીના કારણે હેલમેટ પહેરતા નથી. કલકત્તામાં આ પ્રકારના નિયમ છે. - અજીતસિંહ ગાયકવાડ, ટ્રાફિક એડવાઈઝર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.