વ્રજધામ સંકુલના ગાદીપતિ અને વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહારાજના મનોરથ સ્વરૂપે વ્રજધામ સંકુલ માંજલપુરમાં બિરાજતા શ્રીઠાકોરજીના 23માં પાટોત્સવના ઉપલક્ષ્યમાં 1.25 લાખ કેરીનો ભવ્ય અને દિવ્ય મનોરથ દર્શનમાં હજારોની સંખ્યામાં ભાવિકજનો દર્શન કરીને કૃતાર્થ બન્યા હતાં. પાટોત્સવ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમમાં અલૌકિક ભક્તિ ગીતોથી શૃંગારિત સુંદર નૃત્ય પ્રસ્તૃત થયા હતાં.
વ્રજધામમાં બિરાજતા શ્રીઠાકોરજીને 23માં પાટોત્સવ પ્રસંગે સંકુલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન સંપન્ન થયું જેમાં શહેરના જાણીતા નૃત્ય કલાકાર ચિરાગ મહિડા તથા તેમના વૃંદ દ્વારા અલૌકિક અને આધુનિકતાના સમન્વયથી સજેલા ભક્તિગીતો પર સુંદર નૃત્ય પ્રસ્તુતિ રજુ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ રાજ્યના મહેસુલ તથા કાયદા મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, મહિલા એવમ બાલ વિકાસ મંત્રી મનીષાબેન વકીલ, સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર કેયુર રોકડીયા સહિના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. વ્રજરાજકુમાર મહારાજએ જણાવ્યું હતું કે શ્રીઠાકોરજી સુખાર્થે ધરાવામાં આવેલી 1.25લાખ કેરીઓના કેરી મનોરથની 1 લાખથી પણ વધુ પ્રસાદી કેરીઓનું શહેરના દરિદ્ર્જનોમાં વિતરણ કરવામાં આવશે. કેરીઓનું વિતરણ શહેરના વિવિધ વિસ્તારમાં રહેતા ગરીબ લોકોને કરવામાં આવશે. જેની સંખ્યા 20 હજારથી વધુ હશે તેમ જણાવવામાં આવ્યું હતું.
આટલી વિશાલ સંખ્યામાં કેરીઓની સજાવટ સર્વપ્રથમવાર વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે થઇ રહી છે ત્યારે આ અવસરે વિશેષ ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ્સમાં વ્રજધામ આધ્યાત્મિક સંકુલ માંજલપુર ખાતે આયોજિત 1.25લાખ કેરીઓના આમ્રોત્સવને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.