મેઘ તાંડવ:2 કલાકમાં 1 ઈંચ વરસાદ,25થી વધુ વિસ્તારમાં પાણી ભરાયાં, 6 વૃક્ષ પડ્યાં, દીવાલ ધરાશાયી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં 11થી 15 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી
  • ચાર દરવાજા, માંજલપુર ગામ, મકરપુરા, સરદાર એસ્ટેટ, પ્રતાપનગર, ગોરવા, ગોત્રી, સુભાનપુરા, ભાયલી, સેવાસી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં

મધ્ય ગુજરાત પર ચોમાસાની સિસ્ટમ સ્ટ્રોંગ બનતા શહેરમાં 11થી 15 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. રવિવારે સાંજે 4થી 6 બે કલાકમાં ધોધમાર 1 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેમાં 6 ઝાડ પડ્યાં હતાં અને લહેરીપુરામાં મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી. બીજી તરફ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં.

ધોધમાર વરસાદ ચાલુ થતાં નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના જીવ પડીકે બંધાયા હતાં. લોકોને 31 જુલાઈ 2019ના દિવસની યાદ આવી ગઇ હતી. જેમાં ગણતરીના કલાકોમાં જ 20 ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. જ્યારે 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહીના કારણે નિચાણવાળા વિસ્તારોના લોકોએ સામાન ઊંચે ચઢાવવાનું શરૂ કર્યું છે. ચાર દરવાજા વિસ્તાર, માંજલપુર, મકરપુરા, સરદાર એસ્ટેટ, પ્રતાપનગર, ગોરવા, ગોત્રી, સુભાનપુરા, ભાયલી, સેવાસી, કિશનવાડી, મુજમહુડા સહિતના 25થી વધુ વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.

મનીષા ચોકડી પાસે વૃક્ષ પડતાં કાર દબાઈ ગઈ
સમા-સાવલી રોડ, જેતલપુર, જાંબુઆ બ્રિજ, મનીષા ચોકડી સહિતના વિસ્તારોમાં 6 ઝાડ પડ્યાં હતાં. સાંજે 6 વાગે મનીષા ચાર રસ્તા પાસે ઝાડ પડતાં કાર દબાઈ હતી. જેતલપુર રોડ ઉદયપાર્કમાં સવારે 5:40 કલાકે ઝાડ પડ્યું હતું.

નિચાણવાળા વિસ્તારો તંત્રની સતત નજર હેઠળ
જિલ્લામાં ડભોઈ, વાઘોડિયા, કરજણ સહિતના નદી કિનારા તેમજ નિચાણવાળા વિસ્તારોમાં નજર છે. ટીડીઓ, મામલતદાર, સરપંચ, રેશનિંગના દુકાનદાર અને ગામના અગ્રણીને વિકટ સ્થિતિમાં જાણ કરવા સૂચના અપાઈ છે. - બંટીશ પરમાર, ડીપીઓ, ડિઝાસ્ટર

અમદાવાદ જતું હેલિકોપ્ટર-ફ્લાઇટ વડોદરા ડાઇવર્ટ
સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલને પગલે હવાઈ મુસાફરીને અસર પડી હતી. અમદાવાદનું હવામાન ખરાબ હોવાથી સાંજે 5 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી લેન્ડ કરવાની મંજૂરી ન આપતાં 1 હેલિકોપ્ટર અને 1 ફ્લાઈટ વડોદરા ડાઇવર્ટ કરાઈ હતી. અમદાવાદ જતા હેલિકોપ્ટરે સાંજે 5:30 વાગે વડોદરા ઉતરાણ કર્યું હતું, જે 20 મિનિટ બાદ પરત ગયું હતું. જ્યારે ઇન્ડિગોની દિલ્હીથી અમદાવાદ જતી ફ્લાઈટે 8 વાગે વડોદરા ઉતરાણ કર્યું હતું. અંદાજે 300 મુસાફરો અટવાયા હતા.

માંજલપુરમાં મકાનની છાજલી પડી, લહેરીપુરા ન્યૂ રોડ પાસે મકાનની દીવાલ તૂટી પડી, જાનહાનિ નહીં
લહેરીપુરા ન્યૂ રોડ પાસે મસ્જિદ નજીક 70 વર્ષ જૂના મકાનના બીજા માળની દીવાલ સવારે 7-30 વાગ્યાના અરસામાં બાજુના મકાન પર પડતાં દોડધામ મચી હતી. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડની મદદ લેવાઈ હતી. મોટી હોનારત ન થઈ હોવાથી ફાયરબ્રિગેડે કોર્પોરેશનને જાણ કરીને નિર્ભયતા વિભાગના અધિકારીઓને બોલાવ્યા હતા. ઈમ્તિયાઝ શેખ મુજબ દીવાલ પડી તે મકાનમાં હાલ કોઈ રહેતું નથી. જ્યારે રવિવારે રાત્રે 8 વાગ્યાના અરસામાં માંજલપુર મારુતિધામમાં મકાનની છાજલી ધરાશાયી થતાં ફાયરબ્રિગેડની મદદ લેવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...