ઉગ્ર રજૂઆત:કરજણ પાસે હાઇવે પર ખાડાઓથી સર્જાતા ટ્રાફિકજામ મુદ્દે લોકોમાં રોષ

કરજણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક વાહનોને ટોલ ફીમાંથી મુક્તિ આપવા પણ ઉગ્ર રજૂઆત
  • પોલીસ ખડકી દેવાઇ, અઠવાડિયામાં નિરાકરણ ન આવે તો આંદોલનની ચીમકી

કરજણ વડોદરા વચ્ચેના નેશનલ હાઇવે પર વરસાદના કારણે ઠેરઠેર પડેલા ખાડાઓને લઈને કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. ઉપરાંત કરજણ નગર અને તાલુકાના વાહનચાલકોને કરજણ ખાતે આવેલ ટોલનાકા પર ટોલ ફ્રી કરવા માટે સોમવારે કરજણ નગર અને તાલુકાના જાગૃત નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. એક અઠવાડિયામાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કરજણના લોકો ટોલનાકે રજૂઆત કરવા જતાં ટોલનાકે ચાંપતો પોલીસ બંધોબસ્ત ગોઠવાયો હતો.

હાલમાં વધુ વરસાદને લઈને કરજણથી વડોદરા વચ્ચે નેશનલ હાઇવે 48 ઉપર ઠેરઠેર ગાબડાં પડી જવા પામ્યા છે અને ખાસ કરીને જામ્બુઆ બ્રિજ, પોર બ્રિજ અને બામણગામના બ્રિજ પર વધુ પડતા ખાડા પડી જવાને કારણે વાહન વ્યવહાર ધીમો ચાલી રહ્યો છે. જેને લઇને કલાકો સુધી ટ્રાફિકજામ રહે છે અને કરજણથી વડોદરા વચ્ચેના અંતર માટે દોઢથી બે કલાકનો સમય લાગી જાય છે.

જેને લઇને કરજણ નગરના જાગૃત નાગરિકો દ્વારા વહેલી તકે રોડની મરામત કરીને ખાડા પૂરવાની માંગ સાથે સોમવારે કરજણ ટોલનાકા ખાતે રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત કરજણ તાલુકા અને નગરના વાહન ચાલકોને ટોલ ફીમાં માફી મળે એ માટેની રજૂઆત પણ કરવામાં આવી હતી. આ બંને માગણીઓને લઈને એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. આ બંને માંગણીઓ એક અઠવાડિયાના સમયમાં પૂર્ણ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ટોલનાકા પર કરજણના જાગૃત નાગરિકો રજૂઆત કરવા જવાની જાણ થતાં તેને લઇને કરજણ પોલીસનો કાફલો ટોલ નાકા પર ખડકી દેવામાં આવ્યો હતો. જેમાં 100 પોલીસ જવાનો અને 50 જી.આર.ડી હોમગાર્ડનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો.

સ્થાનિક ગાડીઓને ટોલ ફ્રી નહીં તો સર્વિસ રોડ આપવા ઉગ્ર માગ
કરજણ વડોદરા વચ્યે જામ્બુઆ બ્રિજ, પોર બ્રિજ અને બામણગામ બ્રિજ પર પડેલા ખાડાના લીધે કલાકો સુધીની ટ્રાફિક જામની સમસ્યાને લીધે કરજણની જનતામાં આક્રોશ ફેલાયો છે. તેમનું કહેવું છે કે, રોડ નહીં તો ટોલટેક્ષ નહીં. તેમજ સ્થાનિક ગાડીઓને ટોલફ્રી ના કરાય તો સર્વિસ રોડ આપવાની માગ કરી હતી. કરજણ ટોલટેક્ષ પર રજૂઆત કરવા ગયેલા 60 જેટલા જાગૃત નાગરિકો સામે 1 ડીવાયએસપી, 1 પીઆઇ, 2 પીએસઆઇ સહિત 150 પોલીસ અને જીઆરડીનો કાફલો ખડકી દેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...