કરજણ નગર પાલિકા દ્વારા આપવામાં આવતી પાણી પુરવઠાની પાઇપલાઇનમાં કરજણ તાલુકા પંચાયત કચેરીના મેન ગેટ પાસે છેલ્લા ઘણા દિવસોથી લીકેજ થાય છે. આ અંગે રજૂઆત કરવામાં આવ્યા છતાં હજુ સુધી તેનું સમારકામ કરવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે, આ રોડ પરથી કરજણ નગરપાલિકાના સત્તાધીશો અને કર્મચારીઓ વારંવાર પસાર થાય છે. તેમની આંખો સામે આ દેખાય છે છતાં પણ લીકેજ થયેલ પાણીની પાઇપલાઇનનું સમારકામ કરવા પ્રત્યે બેદરકારી દાખવવામાં આવે છે.
વહેલી તકે પાણીની પાઇપ લાઇનનું સમારકામ કરીને લીકેજ બંધ કરાય એવી વિસ્તારના લોકોની માંગ ઉઠી છે. કરજણ નગરપાલિકા દ્વારા અપાતા પાણી પુરવઠાની લાઈન જે કરજણ તા.પં. કચેરીના મેઈન ગેટ પાસે છે. આ પાઇપલાઇનમાં છેલ્લા ઘણા દિવસોથી લીકેજ થઇ રહ્યું છે. સાંજે પાંચ વાગ્યે પાણીનો પુરવઠો અપાય છે ત્યારે તાલુકા પંચાયતના મેન ગેટ પાસે જ પાણીના ખાબોચિયાં ભરાઇ જાય છે અને પાછું પાણી બંધ થઈ જતાં એ જ પાણી પાછું પાઇપલાઇનમાં સમાઈ જાય છે. ફરી પાછું જે પાણી પાઇપલાઇનમાં જતું રહે છે તે ગંદું હોય છે અને એ જ પાણી ફરી આવે છે. જે જોખમી બની શકે છે.
આમ છેલ્લા ઘણા દિવસોથી આ પીવાના પાણીની પાઈપલાઈન લીકેજ હોવા છતાં પાલિકા દ્વારા તેનું સમારકામ કરવામાં આવતું નથી. નોંધનીય છે કે આ જ રોડ પરથી કરજણ પાલિકાના સત્તાધીશો અને કર્મચારીઓ પણ અવાર નવાર પસાર થતા હોય છે. ત્યારે એમના ધ્યાન પર પણ આ સ્થિતિ આવી છે. છતાં પણ લીકેજનું સમારકામ હજુ સુધી કરવામાં આવ્યું નથી.
આ લીકેજના કારણે વિસ્તારના લોકો ભારે પરેશાન થઇ રહ્યા છે. અનેકવાર આ અંગે રજૂઆત કરવામાં આવી છે. પણ કોઇ પરિણામ આવ્યું નથી. તાલુકા પંચાયત કચેરીના દરવાજા સામે જ આવી સ્થિતિ છે જેનું નિરાકરણ થતું નથી તો સામાન્ય વિસ્તારમાં જો આવી સ્થિતિ સર્જાય તો તેનો ઉકેલ તો ક્યારેય આવે તે કહી શકાય નહીં. હાલ તો વહેલી તકે આ પાઇપલાઇનનું સમારકામ કરાય એવી માંગ ઉઠી છે.
લીકેજની વાત અમારા ધ્યાને આવી છે તેનું તાત્કાલિક સમારકામ કરાશે
કરજણ તાલુકા પંચાયત કચેરી પાસે છેલ્લા કેટલાય દિવસથી પાણીની પાઇપલાઇનમાં લીકેજ છે જે અમારા ધ્યાન પર આવેલ છે. આ લીકેજનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવશે અને લીકેજ બંધ કરવામાં આવશે. - જયેશભાઇ પટેલ, ઉપપ્રમુખ, કરજણ નગરપાલિકા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.