વાત ગામ ગામની:કરજણ ડેપોમાં મેન્ટેન્નસના અભાવે રોજ ખોટકાતી બસો

કરજણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
બસોને લઇ કરજણ એસ ટી ડેપોના અધિકારીને ઉગ્ર રજૂઆત. - Divya Bhaskar
બસોને લઇ કરજણ એસ ટી ડેપોના અધિકારીને ઉગ્ર રજૂઆત.
  • કરજણ તાલુકાના રણાપુરથી વાયા સાધલીની બસ અનેકવાર ખોટકાતાં વિદ્યાર્થીઓ હેરાન પરેશાન

કરજણ તાલુકાના રણાપુર ગામથી રણાપુર કીર્તિસ્તંભ વાયા સાધલી જતી એસટી બસ છેલ્લા ઘણા દિવસોથી મેન્ટેનન્સના અભાવે ખખડધજ હાલતમાં આવતી હોય અવારનવાર રસ્તામાં ખોટકાતી હોય છે. ગત બુધવારે જ પંચર થયેલી બસને કરજણ એસટી ડેપોમાં લઈ જઈને વિદ્યાર્થીઓએ અધિકારીઓને બસનું મેન્ટેનન્સ કરવા અથવા તો નવી બસ મૂકવા માટેની ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આમ મેન્ટેનન્સના અભાવે રોજ જ બસ મોડી પડતી હોવાથી વિદ્યાર્થીઓને શાળા, કોલેજ અને નોકરી જવા માટે મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવતો હતો.

ગામડાઓમાંથી શાળા, કોલેજે જવા માટે તેમજ નોકરિયાતો માટે હાલમાં પણ એસટી બસ આશીર્વાદરૂપ છે. જેમાં કરજણ તાલુકાના રણાપુર ગામેથી કીર્તિસ્તંભ વાયા સાધલી એસટી બસ ખખડધજ હાલતમાં હોઇ તે બસ અવારનવાર રસ્તામાં ખોટકાતી હોય છે. જેને લઈને બસ મોડી ચાલતી હોવાથી વિદ્યાર્થીઓ સહિત લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવતો હતો. જેમાં બુધવારે એસટી બસ પંચર પડતાં પંચર પડેલી હાલતમાં જ એસટી બસને અધવચ્ચેથી કરજણ એસટી ડેપોમાં લઈ જવાઇ હતી.

જ્યાં જઈને એસટી ડેપોના અધિકારીઓને એસટી બસનું સમારકામ કરવા અથવા એસટી બસને નવી મૂકવા માટેની ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આમ એસટી ડેપોમાં સ્પેરપાર્ટ અને મેન્ટેનન્સના અભાવે અનેક બસો રોજ જ રસ્તામાં ખોટકાતી હોવાના બનાવો બને છે.

બસો વ્યવસ્થિત મૂકવામાં આવે તેવી માગ છે
અમારા ગામમાં દિવસમાં માત્ર 3 વખત જ બસ આવે છે. પરંતુ ખખડધજ બસ અને મેન્ટેનન્સના અભાવે અનેક વખત રસ્તામાં બસો ખોટકાવાના બનાવો બન્યા છે. જેથી સમયસર નોકરી અને શાળા કોલેજ પહોંચી શકાતું નથી. આથી વ્યવસ્થિત બસ મૂકવામાં આવે એવી અમારી માગ છે. > નિમેષભાઇ શાહ, ગામ આગેવાન, રણાપુર

અન્ય સમાચારો પણ છે...