દીપડાનું રેસ્ક્યુ:કરજણના રારોદ ગામેથી ત્રીજો હિંસક દીપડો પાંજરે પૂરવામાં આવ્યો

કરજણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 20 દિવસમાં પ્રજામાં દહેશત ફેલાવનાર આવા ત્રણ દીપડા ઝડપાયા

કરજણ તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના ગામોમાં દીપડો બધી જતા હાલમાં સોમજ ગામેથી 15 દિવસમાં બે દીપડા ઝડપાયા હતા. બાદમાં રારોદ ગામની સીમમાં વન વિભાગે પાંજરું મુકતા ત્રીજો દીપડો પણ પાંજરે પુરાયો હતો. આમ 20 દિવસમાં ત્રણ દીપડા ઝડપાયેલ છે. કરજણ તાલુકાના નર્મદા કિનારાના નારેશ્વર રોડ ઉપર આવેલા સોમજ, દેલવાડા તેમજ રારોદ જેવા ગામડાઓ સહિતના આજુબાજુના વિસ્તારમાં છેલ્લા કેટલાય સમય થી દીપડાનો આતંક વધવા પામ્યો છે. જેના લીધે આ વિસ્તારના ગામલોકોમાં દીપડાને લઈને ભારે દહેશત ફેલાવા પામી છે.

હમણાં બે દિવસ પહેલા જ સોમજ-દેલવાડા ગામેથી એક દીપડાનું રેસ્ક્યુ તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે ગત તા. 16ના રોજ કરજણ તાલુકાના નારેશ્વર રોડ ઉપર આવેલા રારોદ ગામે વહેલી સવારે એક દીપડો ગામની આજુબાજુ ફરી રહ્યો હોવાની જાણ ગામ લોકોને થઈ હતી. જે બાબતની જાણ કરજણ વન વિભાગના અધિકારીને કરતાં તંત્ર દ્વારા રારોદ ગામે દીપડાને રેસ્ક્યૂ કરવા પાંજરુ મુકવામાં આવ્યું હતું. દીપડાને પકડવા તંત્ર દ્વારા મુકાયેલા પાંજરામાં દીપડો ગણતરીના કલાકોમાં સાંજના સુમારે દીપડો પાંજરે પુરાતાં ગામલોકો અને તંત્રએ રાહત અનુભવી હતી.

તંત્ર દ્વારા જાણવા મળ્યા મુજબ નારેશ્વર રોડ ઉપરના નદી કિનારાના ગામડાઓ વિસ્તારમાંથી અત્યાર સુધી કુલ 4 દીપડાઓનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે અને તમામ રેસ્ક્યૂ કરાયેલા દીપડાને રેસ્ક્યૂ સેન્ટરે મોકલવામાં આવ્યા છે. નારેશ્વર તરફની પટ્ટી વિસ્તારમાંથી પંદર દિવસના ટૂંકા ગાળામાં ઉપરા છાપરી ત્રણ દીપડાનું રેસ્ક્યૂ કરાતાં આ વિસ્તારના આવેલા ગામડાઓમાં રહેતાં ગામલોકોમાં આજુબાજુ તેમજ ખેતરોમાં ખેતીકામ કે અન્ય કામ અર્થે જવા આવવા માટે તેમજ પોતાના પશુધનને લઈને ભારે ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિણામે જવાબદાર તંત્ર દ્વારા વહેલી તકે આ વિસ્તારમાં કેટલા આવા દીપડા ફરી રહ્યા છે તેની તપાસ કરવામાં આવે અને તેને લઈને તાકીદે યોગ્ય પગલાં લેવામાં આવે એવી ગામલોકોની લાગણી અને માંગણી ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...