અકસ્માત:અકસ્માત થયા બાદ ઘાયલ ડમ્પર ચાલકની કફોડી સ્થિતિ

ડેસર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માં અમૃત કાર્ડ દ્વારા હોસ્પિટલોમાં માત્ર ઓપેરેશન ખર્ચ સરકાર આપી રહી છે
  • ઘાયલ પિતા માટે બ્લડ મેળવવા પરિવારને રઝળપાટ કરવાનો વારો આવ્યો હતો

છેલ્લા બે માસ અગાઉ ડેસર તાલુકાના સિહોરા નજીક થયેલા ત્રણ ડમ્પર વચ્ચેના અકસ્માતમાં બે ચાલકો ગંભીર રૂપથી ઘાયલ થયા હતા. તેમાં ઠાસરા તાલુકાના અંધાડી ગામના જૈનતી શંકરભાઈ પરમારના હાથે પગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે ડેસર ગામના અલ્લારખા આદમ ભાઈ શેખના બે પગ ફ્રેક્ચર થયા હતા.

ડેસરના ડમ્પર ચાલકને વડોદરા એસએસજીમાં સારવાર મેળવ્યા બાદ પરિવારે તેને વાઘોડિયા ખાતેની પારુલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડ્યો હતો. સતત દોઢ માસ એડમિટ રહ્યા બાદ અલ્લારખાં શેખનો એક પગ ઓપરેશન કરી કાપી નાખવામાં આવ્યો હતો. તે ઓપરેશનનો ખર્ચ માં અમૃત કાર્ડમાંથી કપાયો હતો.

હજુ બીજા બે ઓપરેશન બાકી છે. ત્યારે હવે દર્દીના શરીરમાં લોહીની ઉણપ હોવાથી એ/ બી પોઝિટિવ લોહીની તાતી જરૂરિયાત ઉભી થઈ હતી. ગરીબ દર્દીના સંતાનો પોતાનું મજૂરીકામ પડતું મુકી દઇને પિતાની સારવારમાં લાગ્યા છે. તેઓએ પિતા માટે લોહી મેળવવા લોહી પાણી એક કર્યા હતા અને રઝળપાટ શરૂ કરી હતી. પરંતુ ક્યાંય મેળ પડ્યો ન હતો. દવા અને ઈતર ખર્ચ એટલો છે કે પિતા અને સંતાનોએ બચત કરેલી મૂડી સાથે માતાના ઘરેણા વેચી નાખવા પડ્યા છે. દર્દીનુ બીજુ ઓપરેશન શુક્રવાર તા 8 ઓક્ટોબરે છે. પરંતુ શરીરમાં લોહી ઓછું હોવાથી બે બોટલ લોહીની ખાસ જરૂર પડી હતી.

ઘણી જગ્યાઓ પર ફર્યા પરંતુ કોઈ પાસે એ/બી પોઝિટિવ લોહી મળ્યું નહીં. આખરે તપાસ કરતાં એક બ્લડ બેન્કમાં લોહી ઉપલબ્ધ હોવાથી ત્યાં ગયા ત્યારે પ્રોસેસિંગ ફી 1500 પ્રમાણે બે બોટલના 3,000 અને સામે લોહી આપવું પડશે તેવું જણાવવામાં આવ્યું હતું. પરંતુ બંને સંતાનો અગાઉના ઓપરેશન દરમિયાન બે બોટલ લોહી આપી ચૂક્યા હોવાથી હવે તે નજીકના સમયમાં લોહી આપી શકતા ન હોવાથી વિપરીત પરિસ્થિતિમાં મુકાયા હતા. આખરે એક જાગૃત અગ્રણીની સામેલગીરીથી વડોદરાની એક સંસ્થાનો સંપર્ક કરતાં પ્રોસેસિંગ ફી આપીને મફતમાં બે બોટલની વ્યવસ્થા કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...