દુર્ઘટના:ડમ્પરે અડફેટે લેતાં વરણોલીમાં ફરજ પર વડોદરાની નર્સનું મોત

ડેસર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડેસરના મોટી વરણોલીમાં સીએચઓની ફરજ બજાવી મહિલા વડોદરા પરત ફરી રહી હતી
  • મેસરી નદીના બ્રિજ પર સાંજે 5 વાગે ઘટી દૂર્ઘટના

ડેસર તાલુકાના મોટી વરણોલીમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતી નર્સ કલેરેનસી ગોહિલ ઉ.વર્ષ 26 એક્ટિવા લઇ ફરજ પતાવીને સાંજે પાંચ વાગ્યાના અરસામાં સિહોરાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરથી નીકળી પોતાના ઘરે વડોદરા (સમા) જવા નીકળી હતી. તે દરમિયાન શિહોરા અજબપુરાને જોડતાં મેસરી નદીના બ્રિજ ઉપરથી પસાર થતી વેળાએ પાછળથી પૂરપાટ ગતિએ આવતા ડમ્પરના ચાલકે ઓવરટેક કરતાં કલેરેનસી ગોહિલ ડમ્પરની અંદર ખેંચાઈ ગઈ હતી. ડમ્પરના તોતિંગ પૈડાં તેની ઉપર ફરી વળતાં તેના શરીરના ફૂરચે ફૂરચા નીકળી ગયા હતા.

બ્રિજ ઉપર અડધા પડધા શરીર સાથે પડેલી નર્સનું માત્ર માથું હેલ્મેટના કારણે સલામત રહ્યું હતું. જોકે ડમ્પરનો ચાલક વાહન ઘટનાસ્થળે મૂકી નાસી ગયો હતો. ઘટના પગલે બ્રિજ ઉપર નજીકના ગામ સિહોરા અજબપુરા સહિતના ગ્રામજનો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા પરંતુ ઘટનાસ્થળે નર્સનું છુટું પડી ગયેલું શરીર જોઇ હેબતાઇ ગયા હતા. આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓને જાણ થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ડેસર પોલીસને ઘટનાની જાણ થતાં સ્થળ ઉપર પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.