ડેસર વિભાગની મોટાભાગની માઇનોર કેનાલોમાં વારંવાર ગાબડા પડે છે. ખેડૂતોની રજૂઆતો બાદ મરામત પણ કરાવાય છે. પરંતુ થોડા જ સમયમાં પુનઃ ગાબડા પડવાનું ચાલુ જ રહે છે. વરણોલી સિહોરા માઇનોર કેનાલ રાજપુરથી પ્રતાપપુરા અને છાલીયેર સુધીના ખેડૂતોને ઉપયોગી કેનાલ છે. જ્યારથી કેનાલો બની છે માત્ર એક જ વખત પાણી છોડાયું હતું. વર્ષોથી કેનાલ બંધ હાલતમાં હતી.
પ્રતાપપુરા શિહોરા છાલીયેરના ખેડૂતોએ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારને માઇનોર કેનાલ ચાલુ કરવા અંગે રજૂઆત કરી હતી. વરણોલી શિહોરા માયનોર કેનાલમાં પાણી છોડાયું હતું. પાણી છોડતાં રાજપુર પાસે ખેતરાળુ માર્ગે છાલીયેર તલાવડી નજીક કેનાલમાં નાના મોટા સંખ્યાબંધ ગાબડા પડ્યા હતા. કેનાલની આજુબાજુના ઉભા પાકવાળા ખેતરોમાં નર્મદા કેનાલનું પાણી ઘુસી જતા ખેડૂતો રોષે ભરાયા હતા. નર્મદા કેનાલના ઇજનેર સાથે વાત કરતાં જાણવા મળ્યું કે કેનાલ ટેસ્ટિંગ માટે પાણી છોડાયું હતું. તેમાં ગાબડાં પડતાં પાણી બંધ કરી દેવામાં આવ્યું છે.
ઇરાદાપૂર્વક પાણી છોડાતાં ખેડૂતો અવઢવમાં મૂકાયા
હવે ઉનાળાની શરૂઆત થશે. ત્યારે ખેડૂતો ખેતરમાંથી કપાસ કાઢીને ઘાસચારો અને બાજરી વગેરેની ખેતી કરશે. હવે ખેડૂતોને કેનાલના પાણીની ખાસ તાતી જરૂર હોય ત્યારે ઇરાદાપૂર્વક માત્ર 70થી 75 ક્યુસેક પાણી કેનાલમાં છોડાઇ રહ્યું છે. ઓછું પાણી છોડાતું હોવાથી અને નજીકના ગામના ખેડૂતો વારંવાર ગેટ દબાવી દેતા હોવાથી આગળના ગામો વકતાપુરા વેજપુર શાંતિપુરા ધરમપુર સતનગર વાલાવાવના ખેડૂતોને સમય પ્રમાણે પાણી મળતું નથી. ડેપ્યુટી ઈજનેરો પોતાની મનમાની ચલાવે છે. કેનાલ ઉપર 14 ગેટમેનો રાખવાના હોય છે. તેની જગ્યાએ માત્ર 7 ગેટમેનો રાખેલા છે. કોન્ટ્રાક્ટર દ્વારા 14નો પગાર સરકાર પાસેથી વસૂલાય છે. - દક્ષેશ પટેલ, ખેડૂત, શાંતિપુરા
ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરાય તે જરૂરી છે
વરણોલી સિહોરા માઇનોર કેનાલની મરામતનો કોન્ટ્રાક્ટ આર. જે. ચૌહાણ અને પ્રજાપતિ, બંને નર્મદા માઈનોર કેનાલના ઈજનેરો દ્વારા રખાયો છે. તેથી વારંવાર ગાબડા પડાય છે. જેથી કરીને સરકારમાં મસમોટું બિલ મૂકી શકાય. સરકારી ગાડીમાં જ સિમેન્ટ અને અન્ય સામગ્રી લવાતી હોય છે. નર્મદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરાય તે ખૂબ જ જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.