ઓવરટેક કરવા જતા અકસ્માત:શિહોરા-અજબપુરા રોડ પરના મેસરીના બ્રિજ પર ડમ્પરે બસ અને નાયબ મામલતદારની કારને અડફેટે લીધી; મામલતદારનો આબાદ બચાવ

ડેસરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડમ્પર, કાર અને એસટી બસના અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ નહિ. - Divya Bhaskar
ડમ્પર, કાર અને એસટી બસના અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ નહિ.

ડેસરના નવા શિહોરા અજબપુરાને જોડતી મેસરી નદીના બ્રિજ ઉપર ડમ્પર ચાલકે ઓવરટેઇક કરવા જતાં એસટી બસ અને કારને અડફેટે લીધા હતા. ઉદલપુર સાવલી માર્ગ ઉપર દિવસ-રાત કવોરી પ્રોડક્ટ લઈ ફેરા મારતા ડમ્પર ચાલકો વધુ ફેરા મારવાની ઉતાવળે વારંવાર અકસ્માતો સર્જાતા હોય છે. તંત્ર ની ઉક્ત બાબતે કોઈ લગામ નથી. ગત રોજ તારીખ 2 નવેમ્બરે સવારે મેસરી નદીના બ્રિજ ઉપર ઉદલપુરથી વડોદરા તરફ જતાં ડમ્પરે આગળ ચાલતી એસટી બસની ઓવરટેક કરવા જતાં સામેથી આવતી કાર અને આગળ ચાલતી એસટી બસ બંનેને અડફેટે લીધા હતા.

કારમાં ડેસરના નાયબ મામલતદાર ભરતભાઈ પારેખ જે ડેસર તાલુકાના મામલતદારનો ચાર્જ હાલ સંભાળી રહ્યા છે. તેઓ કચેરીએ ફરજ ઉપર આવતા હતા. સદનસીબે તેઓને કોઈપણ ઈજા થવા પામી ન હતી. એસટી બસ અને કાર મેસરી નદીમાં ખાબકતા બચ્યા હતા. અકસ્માત સર્જાતા માર્ગ ઉપર ચાલતા નાના મોટા વાહન ચાલકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. જ્યારે અકસ્માતની જાણ સોશિયલ મીડિયાના માધ્યમથી તાલુકામાં જાણ થતાં મેશરી નદી ઉપર લોકો દોડ્યા હતા.

જ્યારે એસટી બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા, પરંતુ આબાદ બચાવ થતાં હાશકારો અનુભવ્યો હતો. ડેસર પોલીસે એસટી બસ ચાલકની ફરિયાદના આધારે અકસ્માતની વધુ તપાસ આરંભી હતી. જ્યારે કેટલાક જાગૃત નાગરિકો જણાવતા હતા કે ડેસર પોલીસે બેફામ દોડતા ડમ્પર ચાલકોને પ્રદાર્થ પાઠ ભણાવવાની તાતી જરૂરિયાત ઉભી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...