હાલાકી:ક્વોરીઓ બંધ હોવાથી શ્રમજીવીઓની રોજી રોટી સાથે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને ફટકો

ડેસર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
બંધ પડેલી કવોરીઓ અને ડમ્પરના ખડકલા તસવીરમાં નજરે પડે છે. - Divya Bhaskar
બંધ પડેલી કવોરીઓ અને ડમ્પરના ખડકલા તસવીરમાં નજરે પડે છે.
  • ક્વોરી પ્રોડક્ટ પરિવહન કરતા હજારો ડમ્પરોના પૈડા થંભી ગયા
  • રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરી કવોરી​​​​​​​ ઉદ્યોગને પુનઃ ધમધમતો કરાવે તેની લોકો રાહ જોઈને બેઠા છે

ગુજરાત ભરના કવોરી સંચાલકો પોતાની માંગણીઓ ન સંતોષાતા અચોક્કસ મુદત સુધી ક્વોરી ઉદ્યોગ બંધ પડાતા વડોદરા જિલ્લામાં ક્વોરી પ્રોડક્ટ પરિવહન કરતા હજારો ડમ્પરોના પૈડા થંભી જવા પામ્યા હતા. ક્વોરી ઉદ્યોગ બંધ હોવાના કારણે ઉદલપુર, સેવાલિયા, ગોધરા, વડોદરા, નડિયાદ, આણંદ જેવા મોટા નાના શહેરોમાં તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. ખાનગી અને સરકારી બાંધકામો કપચી, ગ્રીટ, મેટલ, ડસ્ટ જેવી પ્રોડક્ટ મળતી બંધ થઈ ગઈ હોવાથી કામો બંધ થઈ જવા પામ્યા હતા. ઉદલપુરથી વડોદરા 75 કિલોમીટરના માર્ગો ઉપર દિવસ-રાત હજારો ડમ્પરો દોડતા હતા તે બંધ થઇ જતાં માર્ગો સુમસામ બનવા પામ્યા હતા.

ડમ્પરો બંધ થઈ જવાના કારણે દિવસ રાત મધ્યમ વર્ગીય લોકો માર્ગો પર ચાની લારીઓ, નાસ્તાની દુકાનો, હોટલો, ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા તેઓએ પણ પોતાના ધંધા-રોજગાર બંધ કરવા પડ્યા હતા. જ્યારે ક્વોરીમાં કામ કરતા હજારો શ્રમજીવી પરિવારોની રોજીરોટી છીનવાઇ હતી અને ઘરે બેસવાનો વખત આવતાં ગરીબ પરિવારોની હાલતમાં મને કોઠીમાંથી કાઢ જેવી થવા પામી હતી. દિવસ દરમિયાન મધ્યમ વર્ગીય લોકો ક્વોરી ઉદ્યોગ પુનઃ ધમધમતા થાય તેની હાલ કાગડોળે રાહ જોઇને બેઠા છે.

ગુજરાતભરની 3000 જેટલી ક્વોરીઓના કર્સરો બંધ થતાં 50થી 75 હજાર જેટલા ડમ્પરોના પૈડા હાલ થંભી જવા પામ્યા છે, તેની સીધે સીધી અસર બજાર ઉપર વર્તાઇ રહી છે. લાખો લોકોની રોજીરોટી તા. 1 મેથી બંધ થઈ જવા પામી હતી. ક્વોરી ઉદ્યોગ બંધ હોવાનાના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને મોટો ફટકો પડી રહ્યો છે. ધંધો બંધ છે પરંતુ વાહનો માટે લેવાએલી લોનનું વ્યાજ ચાલુ છે તે ભરવુ પણ મુશ્કેલ બને તેમ છે ઠેરઠેર ડમ્પરો પડી રહેલા જોવા મળી રહ્યા છે. રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરી કવોરી ઉદ્યોગને પુનઃ ધમધમતો કરાવે તેવી મધ્યમ વર્ગીય લોકો રાહ જોઈને બેઠા છે.

અન્ય સમાચારો પણ છે...