સરકાર મુક પ્રેક્ષક:રાજ્ય સરકાર અને ક્વોરી સંચાલકો આમને-સામને, 15 દિવસથી સતત ચાલી રહેલી ક્વોરી ઉધોગની હડતાળ નહીં સમેટાતાં મુશ્કેલી

ડેસર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
15 દિવસથી કવોરીઓ બંધ હોવાથી સૂમસામ જણાતા માર્ગો. - Divya Bhaskar
15 દિવસથી કવોરીઓ બંધ હોવાથી સૂમસામ જણાતા માર્ગો.
  • ​​​​​​​ગુજરાતની​​​​​​​ 3 હજાર ક્વોરીઓ 1 મેથી 17 યક્ષ પ્રશ્નોને લઇ હડતાળ ઉપર છે, કોઈ ઝૂકવા તૈયાર નથી

રાજ્ય સરકારે 15 દિવસ દરમિયાન કોઈ યોગ્ય નિર્ણય ન લેતા હડતાલ યથાવત છે, પરંતુ દિવસે દિવસે મધ્યમવર્ગીય પરિવારોની દયનીય સ્થિતિ થવા પામી છે. સરકાર મુક પ્રેક્ષકોની જેમ તમાશો જુએ છે. જ્યારે ક્વોરી સંચાલકો પણ આ વખતે સરકાર સામે ઝૂકે તેમ લાગતું નથી. ત્યારે ક્વોરી ઉપર નિર્ભર મધ્યમવર્ગીય પરિવારોની કફોડી સ્થિતિ થવા પામી છે.

ગુજરાતની 3 હજાર ક્વોરીઓ તા 1 મેના રોજથી પોતાના 17 યક્ષ પ્રશ્નોને લઇ હડતાલ ઉપર છે. આજે 15 દિવસથી રાજ્યની ત્રણ હજાર અને મધ્ય ગુજરાતની 180 કવોરીઓ જડબેસલાક બંધ છે. તેના કારણે સરકારી અને ખાનગી વિકાસના કામો જે યુદ્ધના ધોરણે અગાઉ ચાલતા હતા તે કપચી ન મળવાના કારણે સદંતર બંધ થઈ ગયા છે.

રાજ્ય સરકારને પણ કરોડો રૂપિયાની રોયલ્ટી આવક બંધ થઈ ગઈ છે. ક્વોરી સંચાલકોને પણ કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. મધ્ય ગુજરાતમાં ખેડા, મહીસાગર પંચમહાલ, દાહોદ અને વડોદરા જિલ્લામાં આવેલ 180 જેટલી ક્વોરીઓમાં કામ કરતાં શ્રમજીવી પરિવારો ઉપરાંત ડમ્પરના ડ્રાઈવરોની હાલત કફોડી અને દયનીય થવા પામી છે.

સરકાર અને ક્વોરી સંચાલકોની લડાઈમાં શ્રમજીવી વર્ગ પિસાઈ રહ્યો છે. તેઓને માત્ર આ મોંઘવારીમાં પરિવાર ના પેટના ખાડો પૂરવાની ફિકર છે. તેઓ જણાવે છે કે માત્ર 15 દિવસમાં મજૂરી કામ બંધ થઈ જવાથી અમારી કમર ભાગી ગઈ છે. અમો મજૂરી કરી ગુજરાન ચલાવતા લોકો છે. રોજીરોટી આપી ન શકો તો કંઈ નહીં પરંતુ અમારી રોજી છીનવાઈ છે તે પરત કરો.

મધ્ય ગુજરાત ક્વોરી એસોસિએશનના પ્રમુખ અમિત સુથારે જણાવ્યું હતું કે 15 દિવસ સુધી અમારા ક્વોરી સંચાલકોએ ધીરજ રાખીને મજબૂતીથી સજ્જડ બંધ રાખ્યું છે. તે જોતા એસોસિએશનનો જોમ અને જુસ્સો વધુ મજબૂત બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...