કવોરી ઉદ્યોગની હડતાળને પગલે સોમવારે સાંજે ચાર વાગ્યે ગાંધીનગરની ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનરની કચેરીએ ગુજરાત બ્લેક સ્ટોન એસો. પ્રમુખ હિતેન્દ્ર ઉપાધ્યાય સહિત કોર કમિટી સાથે ત્રણ કલાક જેટલા લાંબા સમય સુધી બેઠક યોજાઇ હતી. પરંતુ આ અંગે કોઇ યોગ્ય નિરાકરણ આવ્યું ન હતું.
ગાંધીનગરમાં યોજાયેલી બેઠક દરમિયાન સરકાર તરફે ખાણ ખનીજ અધિકારી ડી કે પટેલ અને ફ્લાઇંગ સ્ક્વોડ અધિકારી વાળા સહિત અધિકારીગણ સાથે ક્વોરી ઉદ્યોગની હડતાળ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે હાલ પૂરતા તમે હડતાળ પૂરી કરો તમારા 17 મુદ્દાઓ ધ્યાને લઇ સરકારને મળી આગળની કાર્યવાહી યોગ્ય રીતે કરીશું. પરંતુ તાત્કાલિક ધોરણે સરકાર તરફથી કોઇ તૈયારી ન દર્શાવતાં ગુજરાત બ્લેક સ્ટોન એસો.ની કોર કમિટીએ બેઠકમાં જણાવ્યું હતું કે અમો મુખ્યમંત્રી સાથે આ બાબતે બેઠક કરીશું ત્યાં સુધી અમારી રાજ્ય વ્યાપી હડતાળ ચાલુ રહેશે.
દિવસ દરમિયાન ક્રિકેટ મેચની હાર જીતની ખબર કાઢતા હોય તેમ પળે પળના અહેવાલ કામદારો અને ડમ્પરના ચાલકો મેળવતા જોવા મળ્યા હતા અને કાગડોળે કવોરી ઉદ્યોગ કાલથી પુનઃ ધમધમશે તેવી રાહ જોઇને બેઠેલા કામદારો અને તેઓના પરિવારો સહિત માર્ગો પર ડમ્પરો આધારિત રોજિંદો ધંધો કરતા મધ્યમ વર્ગીય પરિવારો દુઃખી દુઃખી થઈ ગયા હતા. મોબાઈલ ઉપર એકબીજાને હડતાળ યથાવત્ રહેશે તેવા મેસેજ મળતાં કામદારો અને ડમ્પરના ચાલકો અને તેમના પરિવારોમાં રીતસરનો સન્નાટો છવાયો હતો કેટલાક જાગૃત નાગરિકો જણાવતા હતા કે ગાજ્યા મેઘ વરસ્યા નહીં. આજે રાજ્યવ્યાપી કવોરી ઉદ્યોગની હડતાળનો 17મો દિવસ છે.
આજે સાંજે કમિશનરની અધ્યક્ષતામાં ફરી બેઠકયોજવામાં આવશે
અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં ખાણ ખનીજ કમિશનર રૂપવંતસિહ સાઉથ આફ્રિકા ગયા હોવાથી હાજર ન હતા, તેઓ મોડી રાત્રે ગાંધીનગર આવી પહોંચશે. આધારભૂત વર્તુળો દ્વારા જાણવા મળ્યા મુજબ પુનઃ એક વખત તા. 17 મે મંગળવારે સાંજે ચાર વાગે ખાણ ખનીજ કમિશનરની અધ્યક્ષતામાં બેઠક યોજાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.