આયોજન:પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પર્યાવરણીય લોક સુનાવણી, તાલુકાવાસીઓ અને ખેડૂતોએ પોતાના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા

ડેસરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
તુલસી ગામની સીમમાં સિમેન્ટની ફેક્ટરી આકાર લઈ રહી હોવાથી  પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લોક સુનાવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો  હતો. જેમાં ગ્રામજનોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. - Divya Bhaskar
તુલસી ગામની સીમમાં સિમેન્ટની ફેક્ટરી આકાર લઈ રહી હોવાથી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લોક સુનાવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ગ્રામજનોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા.
  • તુલસીમાં રૂ. 834 કરોડના ખર્ચે સિમેન્ટની ફેક્ટરી બની રહી છે

ડેસર તાલુકાના છેવાડે આવેલા તુલસી ગામની સીમમાં 31.62 હેક્ટર જમીનમાં સિમેન્ટનો મોટો પ્રોજેક્ટ નંખાઈ રહ્યો છે. પ્રોજેક્ટ માટે કુલ ખર્ચ રૂા. 834.29 કરોડનો છે. તેમાં પહેલા તબક્કામાં રૂા. 528.84 કરોડ અને બીજા તબક્કામાં રૂા. 305.45 કરોડનો ખર્ચ થશે. તે માટે ગુરુવાર તા 16 મેના રોજ બપોરે 12થી 4 દરમિયાન સાવલી પ્રાંત અધિકારી હિતેશ જોશી અને પ્રાદેશિક પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વડોદરાના અધિકારી રાજેન્દ્ર બી ત્રિવેદીની અધ્યક્ષતામાં લોક સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

લોક સુનાવણીમાં ડેસર તાલુકાના તુલસીગામ, વચ્છેસર ભૈયાપુરા ઉદલપુર રાજનગર જાનીપુરા ટીંબાગામ સહિતના ગ્રામજનો અને ખેડૂતો ખાસ હાજર રહ્યા હતા. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની બેઠક અગાઉ આજુબાજુના ખેડૂતોને સિમેન્ટની ફેક્ટરી બાબતે તંત્ર ગણ દ્વારા અવગત કરાતાં કચેરી ખાતે વિવિધ પ્રશ્નો અંગે કેટલાક જાગૃત ખેડૂતોએ પોતાની વેદના લેખિત અરજીઓ દ્વારા અધિકારી ગણને કરી હતી. તમામને તેના પ્રત્યુત્તર આપવામાં આવ્યા હતા. જ્યારે સિમેન્ટ કંપનીના અધિકારીઓ દ્વારા પોતાનો પ્રોજેક્ટ કેવો હશે અને કેવી રીતે તેઓ કંપની ચલાવશે તેની તમામ રૂપરેખા લોક સુનાવણીમાં રજૂ કરી હતી.

તે સંદર્ભે એક પછી એક રાજનગર અને તુલસી ગામના ખેડૂતોએ પોતાના પ્રશ્નો ઊભા થઈને અધિકારીઓ સામે રજૂ કર્યા હતા. ખેડૂતોએ જણાવ્યું હતું કે કંપનીના અધિકારી ગણે સિમેન્ટ કંપની ચાલુ થતા પહેલા જે રૂપરેખા જણાવી તે સિસ્ટમને કંપની શરૂ થઈ ગયા પછી નિયમો કંપનીવાળા ફોલો કરતા નથી. માત્રને માત્ર પ્રદુષણની પરમીશન મેળવવા માટે જ હાલ તમામ બાબતે તેઓ હકારાત્મક જવાબ આપી રહ્યા છે.

જ્યારે સ્થાનિક ગ્રામજનોને કંપનીમાં નોકરી લેવા અંગે પણ રજૂઆત કરાઇ હતી. તેના જવાબમાં કંપની અધિકારીએ જણાવ્યું હતું કે, સ્થાનિકોની કાર્યકુશળતા જોઈને અંદાજે 210 જેટલા સ્થાનીક કામદારો કંપનીમાં લેવાના છે. અનેક મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. લોક સુનાવણી દરમિયાન સ્થાનિક નેતા ગણે પણ ખાસ હાજરી આપી હતી અને જણાવ્યું હતું કે ડેસર તાલુકામાં આજ સુધીમાં કોઈ મોટો પ્રોજેક્ટ આવ્યો નથી. સિમેન્ટની કંપની તુલસી ગામની સીમમાં આવવાથી કેટલાક સ્થાનિકોને રોજગારી મળશે અને ડેસર તાલુકાનો સારો એવો વિકાસ પણ થશે તેમ જણાવતા હતા.

અન્ય સમાચારો પણ છે...