ચોમાસાની સિઝનને દોઢ મહિના જેટલો સમય થયો છતાં ડેસર સાવલી તાલુકામાં નહિવત વરસાદ પડયો છે. આથી તાલુકામાં આવેલ મોટા ભાગના સિંચાઈ તળાવો અને ગામ તળાવો ખાલી રહેતાં ખેડૂતોને ડાંગરની રોપણી માટે નર્મદાના પાણીથી સિંચાઇ તળાવો ભરાય તેવી રજૂઆતો ખેડૂતોએ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારને કરી હતી. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ અંગે રજૂઆત કરતાં તેમણે નર્મદાનું વધારાનું પાણી આપવાની સૂચના આપી હતી.
ડેસર અને સાવલી તાલુકામાં આ વર્ષે ખૂબ જ ઓછો નહીવત વરસ્યો છે જેને લઇને હજુ સુધી તાલુકાના મોટાભાગના ગામોમાં સિંચાઈ અને ગામ તળાવો લગભગ ખાલીખમ પડ્યા છે. આ વર્ષે તૂટક તૂટક કરી માત્ર 259 એમ એમ વરસાદ ડેસર તાલુકામાં નોંધાયો છે. શ્રાવણ માસ પણ અડધો થવા આવ્યો હોવા છતાં પણ ચોમાસાના પાણીથી તળાવો ભરાયા નથી નદીઓમાં પણ જોઈએ તેટલા પાણી નથી. સતત ઓછા પાણીના કારણે ખેડૂતોના બોર કૂવામાં પણ પાણીના સ્તર નીચા ગયા છે તેના કારણે ખેડૂતોને ભારે ચિંતા સતાવી રહી છે.
કપાસ, દિવેલા જેવા પાક માટે તો ઠીક છે પરંતુ ડાંગરની રોપણી માટે પણ ખેતરમાં પાણી લેવા ખેડૂતોને રીતસરના વલખાં મારવા પડે છે. ઉપરોક્ત બાબતે ખેડૂતોએ ધારાસભ્યનું ધ્યાન દોરતાં તેમણે ખેડૂતોના હિત માટે ગત મંગળવારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. પાણી પુરવઠા વિભાગના મંત્રી ઋષિકેશ પટેલ અને મુખ્યમંત્રીના સચિવ કૈલાસનાથનને રૂબરૂ મળીને સાવલી ડેસરમાં નહિવત વરસાદથી ખેડૂતોને સિંચાઇ પાણીની તકલીફ પડી રહી છે તેમ જણાવ્યું હતું.
આ માટે નર્મદાનું વધારાનું પાણી છોડીને તળાવ ભરવા માટે રજૂઆત કરી હતી. જે સંદર્ભે અગ્રસચિવ કૈલાસનાથને નર્મદા કેનાલના ડિરેક્ટર જે પી ગુપ્તાને નર્મદા ડેમનું વધારાનું પાણી કેનાલમાં છોડવા માટે સૂચના આપી હતી. જે તે વિભાગના અધિકારીઓને જાણ કરી પગલાં લેવા જણાવ્યું હતું. આમ ડેસર સાવલી ના ખેડૂતોની સિંચાઈના પાણીની રજૂઆત રાજ્ય સરકારે માનભેર સ્વીકારતાં સાવલી ડેસર વિસ્તારના ખેડૂતો ખુશ થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.