ખાડાઓનું પથરાયેલું સામ્રાજ્ય:અકસ્માતને નોંતરું આપતો સિહોરા-અજબપુરાને જોડતી મેસરીનો બ્રિજ

ડેસર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉદલપુરથી સાવલી માર્ગની મરામત જરૂરી, સંખ્યાબંધ ખાડાઓનું પથરાયેલું સામ્રાજ્ય
  • અગાઉ એક નર્સનું બ્રિજ પર અકસ્માતમાં મોત નિપજ્યું હતું
  • ડેસરના નાયબ મામલતદારની કાર, ડમ્પર અને એસટી બસનો અકસ્માત
  • ખાડા હોવાથી નાના મોટા વાહનચાલકો અટવાઇ પડે છે

ડેસરના નવાસિહોરા અજબપુરાને જોડતી મેસરી નદીના બ્રિજની હાલ ખસ્તા હાલત થવા પામી છે .વારંવાર તંત્ર ગણનું ધ્યાન દોરતા માત્ર સામાન્ય ખાડા પૂરતા હોય તેમ ચાર દિવસ ચાલે તેવું હલકી ગુણવત્તાનું કામ કરી સંતોષ માનતા હોય છે.

ઉપરોક્ત બ્રિજ ઉપર વારંવાર અકસ્માતો સર્જાય છે અને જાનહાનિ પણ થાય છે. થોડા સમય અગાઉ નવાસિહોરા પીએચસીમાં ફરજ બજાવતા નર્સનું બ્રિજ પર અકસ્માતમાં કરૂણ મોત નિપજ્યું હતું. નવેમ્બર માસમાં ડેસરના નાયબ મામલતદારની કાર ડમ્પર અને એસટી બસ વચ્ચે બ્રિજ ઉપર અકસ્માત સર્જાયો હતો. સંખ્યાબંધ અકસ્માતો બ્રિજ ઉપર પડેલા ખાડાઓને કારણે સર્જાય છે. ભારદારી ડમ્પરો બ્રિજના સામે છેડે ચઢાણ ચઢવાનું હોવાથી પોતાનું વાહન વધુ ગતિથી હંકારીને ચઢાવતા હોય છે.

તેમાં ખાડા હોવાથી નાના વાહનચાલકો અટવાઇ પડે છે અને અકસ્માતો નોતરાય છે તે વાતોથી વિસ્તારના લોકો સારી રીતે વાકેફ છે પરંતુ માર્ગ અને મકાન વિભાગની કુંભકર્ણ નિંદ્રા ખુલતી નથી બ્રિજની બાજુમાં નવા બ્રિજનું કામ ચાલુ છે. થોડા સમયમાં બ્રિજ બની જશે પરંતુ ત્યાં સુધી કેટલાય નિર્દોષો ખખડધજ બ્રિજના કારણે અકસ્માતોમાં હોમાયો જશે તેવુ જાગૃત નાગરિકો ભાર પુર્વક જણાવી રહ્યા છે.

ઉદલપુરથી ડેસર અને ડેસરથી સાવલી સુધી 38 કિલોમીટરના માર્ગ ઉપર એક વર્ષ દરમિયાન માર્ગ વિભાગ દ્વારા ત્રણ વખત માર્ગ ઉપરના ખાડા પૂરવામાં આવ્યા છે. પરંતુ ખાડા માત્ર ચાર-પાંચ દિવસ જ પુરાયેલા રહે છે તે પછી જેસે થે પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ડેસર તાલુકાના ઘણા અગ્રણી સ્થાનિક નેતા ગણે ઉપરોક્ત બાબતે મૌખિક રજુઆતો કરી છે છતાં કોઇ નક્કર પરિણામ માર્ગ ઉપરના ખાડાઓ અને બ્રિજ પરના ખાડા બાબતે આજ સુધી આવ્યું નથી. હજારો ખાડા વારંવાર પડી જતા માર્ગની બનાવટમાં જ અગાઉ મસ મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું તાલુકામાં ચોરે ને ચૌટે ચર્ચાઈ રહ્યું છે. રાજ્યના ધોરીમાર્ગો પર વારંવાર ખાડા પડી જતા હોવાની ફરિયાદોના કારણે સંખ્યાબંધ સવાલો સ્થાનિક જાગૃત પ્રજા ઉઠાવી રહી છે.

જૂના બંને બ્રિજની અને માર્ગની મરામતની પણ તાતી જરૂરિયાત
સાવલી ડેસરના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરીને સાવલી ડેસર વચ્ચે આવતા બંનેવ નવા બ્રિજો મંજૂર કરાવીને કામ શરૂ કરાવ્યું છે તે ખૂબ જ અભિનંદનને પાત્ર છે. પરંતુ જૂના બંને બ્રિજની અને માર્ગની મરામતની પણ ખૂબ જ તાતી જરૂરિયાત છે. જેથી અકસ્માતમાં નિર્દોષ નાગરિકોના જીવ બચાવી શકાય તેઓ એ અંગત રસ દાખવવો જોઇએ તેવી જાગૃત નાગરિકોની માગણી છે.

અન્ય સમાચારો પણ છે...