ભાસ્કર એક્સક્લૂઝિવ:સરકારને 100 કરોડનું નુકસાન, રાજ્યભરની 3 હજાર કવોરીઓની 17 મુદ્દાઓને લઇ હડતાળ : દોઢ લાખ કામદારો બેરોજગાર બન્યા

ડેસર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મધ્ય ગુજરાતની 180 કવોરીઓ 5 દિવસથી જડબેસલાક બંધ...
  • ડેસરના વિવિધ ગામોની 75 જેટલી કવોરીઓ પણ સજ્જડ બંધમાં જોડાઇ, હજારો ડમ્પરોના પૈડાં થંભી જતાં ટ્રાન્સપોર્ટર્સને પણ ફટકો

રાજ્યભરની તમામ ત્રણ હજાર કવોરીઓ તેમનાં 17 મુદ્દાઓને લઇ હડતાળના પગલે મધ્ય ગુજરાતની 180 કવોરીઓ છેલ્લા પાંચ દિવસથી જડબેસલાક બંધ છે. તેમાં ડેસર તાલુકામાં આવેલ ઉદલપુર, વરસડા, વાધવા, વેજપુર, રાજનગર, તુલસીગામ, જાંબુગોરલ ગોઠડા જેવા ગામોમાં આવેલી 75 જેટલી કવોરીઓ પણ સજ્જડ બંધમાં જોડાતાં માર્ગો પર ફરતાં હજારો ડમ્પરોના પૈડા થંભી જતાં માર્ગો સુમસામ બન્યા હતા. જ્યારે રાજ્ય સરકારને 40 ટકા રકમ રોયલ્ટી રૂપે મળતી બંધ થઈ જતાં કરોડોનો ફટકો પડયો છે.

રાજ્યની તમામ કવોરીઓની રોજિંદી રોયલ્ટી 20 કરોડ રૂપિયા થાય છે તે સતત પાંચ દિવસથી બંધ છે. જ્યારે કવોરી સંચાલકોને એક દિવસનું અંદાજે રૂપિયા 50 હજાર જેટલું નુકસાન થઈ રહ્યું છે. તો રાજ્યની ત્રણ હજાર કવોરીના સંચાલકોને રૂા.15 કરોડ ની રોજિંદી ખોટ વર્તાઈ રહી છે. તો ટ્રાન્સપોર્ટરોને પણ કરોડોની ખોટ થઈ રહી છે.

ગુજરાત વિદ્યુત બોર્ડને પણ વીજળી વપરાશ બંધ થવાથી ખોટ વર્તાઈ રહી છે જ્યારે ઓછામાં ઓછા એક કવોરીમાં માત્ર 50 જેટલા કામદારો કામ કરતા હોવાનું ગણીએ તો રાજ્યની ત્રણ હજાર કવોરીમાં કામ કરતાં કુલ દોઢ લાખ કામદારો હાલ રોજીરોટી વગરના થવા પામ્યા છે. છેલ્લા પાંચ દિવસથી સતત ચાલી રહેલી હડતાળમાં ગુજરાતને રોજનો કરોડો રૂપિયાનો ફટકો પડી રહ્યો છે. ત્યારે તેનો યોગ્ય નિકાલ લાવવા રાજ્ય સરકારે જેમ બને તેમ જલ્દી નિર્ણય કરવો જોઈએ તેવું જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે.

રાજ્યભરની ક્વોરીઓ હડતાળ પર ઉતરી જતાં 5 દિવસથી ક્વોરી સાથે સંકળાયેલ તમામને ખોટ સહન કરવાનો વારો આવ્યો છે. જિલ્લામાં પણ હજારોની સંખ્યામાં ડમ્પરોના પૈડાં થંભી જતાં મોટું નુકસાન ચાલકોને થઇ રહ્યું છે. તસવીરમાં થંભી ગયેલાં ડમ્પરો તેમજ બંધ રહેલ ક્વોરી ઉદ્યોગ નજરે પડે છે. વહેલી તકે જો આનો નિકાલ નહીં આવે તો હજુ વધુ નુકસાન થઇ શકે છે.}ઝાકીર દીવાન

રાજ્ય સરકારની રોજની 20 કરોડની રોયલ્ટી બંધ
રાજ્ય સરકારની આવકમાં બ્લેક ટ્રેપ ખનીજ રોયલ્ટી આવક 40 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. ક્વોરીઓની હડતાળને પગલે રોજિંદી રૂપિયા 20 કરોડની રોયલ્ટી આવકનું સરકારને નુકસાન થઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યભરની ત્રણ હજાર કવોરી પ્લાન્ટમાં કામ કરતા આશરે દોઢ લાખ મજૂરો હાલ આ પરિસ્થિતિના કારણે બેરોજગાર બન્યા છે.

આ ઉપરાંત 50 હજાર ડ્રાઇવરો પણ કામ વિહોણા થયા છે. જ્યારે ગુજરાત વિદ્યુત બોર્ડને પણ રોજનું કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં એક લાખથી વધુ ડ્રાઈવર કંડક્ટરો બેરોજગાર બન્યા છે. તદુપરાંત માર્ગો પર કામ કરતાં લાખો મજૂરોની રોજીરોટી પણ છીનવાઇ ગઇ છે. આમ ક્વોરીની હડતાળની ખૂબ અસર થઇ છે.- અમિત સુથાર, પ્રમુખ, મધ્ય ગુજરાત કવોરી એસોસિએશન

અન્ય સમાચારો પણ છે...