ડેસરના મહયા ટેકરા ખાતે રહેતા મહેશભાઈ કિરણભાઈ પરમાર 31 જુલાઈએ સાંજે 7:30 વાગે નજીકના ભાટપુરા મંડળી (ડેરી)માં પોતાની પત્ની પ્રેગનેંટ હોવાથી રૂા.20નું દૂધ લેવા માટે ગયો હતો. તે દરમિયાન મંડળીમાં દૂધનો વહીવટ કરતા મંત્રી તખતસિંહ પરમારે વેચાતું દૂધ આપવાથી નન્નો ભણ્યો હતો. અને જણાવ્યું હતું કે મંડળીમાંથી દૂધ લેવું હોય તો પોતાની ભેંસ લાવો અને દૂધ મંડળીમાં ભરો મંડળીના સભાસદ બન્યા પછી તમને દૂધ મળે. ત્યાં સુધી તમને દૂધ મળે નહીં અને ભેસ લાવવાના રૂપિયા ન હોય તો પોતાની જમીન ગીરવે મૂકીને ભેંસ લાવો.
તેવું જણાવતા ઉશ્કેરાયેલા મહેશ પરમાર અનેક જગ્યાઓ પર પોતાની વેદના ઠાલવી રહ્યો છે. ત્યારે તેણે સાવલી ડેસરના ધારાસભ્ય કેતન ઇનામદારને ફોન કરી ઉકત બાબતે રજૂઆત કરી હતી. પરંતુ હું એક કાર્યક્રમમાં છું પછી મને ફોન કરજો અથવા રૂબરૂ આવશો એવું કહી વાત પૂર્ણ કરી હતી.ત્યારબાદ ડેસર વિસ્તારના ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજીને ફોન કરી ઘટતું કરવા માંગણી કરતા તેઓએ જણાવ્યું હતું કે હું મંડળીમાં ફોન કરી જણાવી દઈશ, તને દૂધ આપશે. પરંતુ તેની માંગણી ન સંતોષાતા તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને અરજી લખીને વેદના ઠાલવી હતી.
ભાટપુરા મંડળીના પ્રમુખ રમેશભાઇ બારોટ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે અમે માત્ર સભાસદ હોય તેને જ દૂધ આપીએ છીએ. બીજા કોઇને આપતા નથી. છતાં હવે મહેશને જરૂર છે તો કાલથી રૂપિયા 30 લઈ મોકલજો. હું દૂધ અપાવીશ. તેવો સંતોષકારક જવાબ આપ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.