અકસ્માત:ડમ્પરની અડફેટે બાઇકસવાર પુત્રનું મોત; ઘાયલ પિતા હોસ્પિટલમાં

ડેસર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસ - ટોળા વચ્ચે ચકમક. - Divya Bhaskar
પોલીસ - ટોળા વચ્ચે ચકમક.
  • ડેસર સાવલી માર્ગ ઉપર ગુરુવારે મોડી સાંજની ઘટના
  • માર્ગ પરથી ટ્રાફિક ખુલ્લો કરવા ડમ્પર હટાવતાં પોલીસ અને ટોળાં વચ્ચે ચકમક ઝરી

ડેસર તાલુકાના શિહોરા અજબપુરાને જોડતા મેસરી નદીના બ્રિજ ઉપર ગુરુવારે સાંજે 7 વાગ્યાના અરસામાં બાઈક સવાર પિતા પુત્રને ડમ્પરે અડફેટે લેતાં ઘટના સ્થળે જ પુત્રનું મોત થયું હતું. જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા પિતાને સાવલી હોસ્પિટલે ખસેડ્યા હતા. બાદ વધુ સારવાર માટે વડોદરા એસએસજીમાં ખસેડાયા હતા.સાવલીના વિટોજ ગામના વિજયસિંહ ખોડસિહ રાઠોડ ઉં.20 અને ખોડસિંહ રાઠોડ ઉં.40 ડેસર ખાતે નવી બાઇક છોડાવવા શોરૂમમાં પૈસા ભરવા ગયા હતા.

મોડી સાંજે તેઓ પરત ફરતા હતા ત્યારે શિહોરા અજબપુરા વચ્ચેની મેસરી નદીના બ્રિજ ઉપરથી પસાર થતા હતા તે દરમિયાન પૂરપાટ ગતિએ પાછળથી આવેલ ડમ્પરે તેમની બાઇકને અડફેટે લેતાં પુત્રનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. જ્યારે ઘાયલ પિતા ખોડસિંહને ભેગા થયેલા ગ્રામજનોએ સાવલી હોસ્પિટલે ખસેડ્યા હતા. બાદ તેમને વડોદરા એસએસજીમાં રીફર કરાયા હતા. અકસ્માત સર્જાતાં શિહોરા, અજબપુરા, પ્રતાપપુરા, જુના સિહોરા, લહેરીપુરાથી મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે ભેગા થયા હતા.

ડેસર અને સાવલી પોલીસ પણ જાણ થતાં દોડી આવી હતી. અકસ્માતને પગલે સાવલી અને ડેસર બાજુના બંને માર્ગો ઉપર અંદાજે 2 કિમી સુધીનો ટ્રાફિક જામ સર્જાયો હતો. આથી પોલીસે અકસ્માત કરનાર ડમ્પરને જગ્યા ઉપરથી હટાવી રસ્તો ખુલ્લો કરતાં પોલીસ અને ભેગા થયેલા ટોળા વચ્ચે ચકમક ઝરી હતી. આખરે સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. બે કલાકની જહેમત બાદ ટ્રાફિક ખુલ્લો કરાયા બાદ ઘટના સ્થળેથી પુત્ર વિજયસિંહના મુતદેહને પીએમ અર્થે ડેસર હોસ્પિટલે ખસેડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...