અકસ્માત:ડમ્પરે અડફેટે લેતાં બાઇક લઇને જતા યુવાનનું મોત

ડેસરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસડા પાસેના આતુંના મુવાડા વળાકમાં અકસ્માત
  • વડોદરામાં યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું

સાવલીના પોઇચા (રાણીયા)નો યુવાન ભમ્મરઘોડા દર્શને જાઉં છું કહી ઘરેથી નીકળ્યો હતો. સાંજે 5-30 વાગે ગળતેશ્વરથી પરત ફરતી વેળાએ વરસડા પાસે આતુંના મુવાડા વળાંકમાં માતેલા સાંઢની જેમ ફરતા ડમ્પરે અડફેટે લેતા આશાસ્પદ યુવાનનું વડોદરા એસએસજીમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ ની પ્રાપ્ત વિગતો અનુસાર રમણભાઈ ડાહ્યાભાઈ રાવળ મજુરી કામ કરી ગુજરાન ચલાવે છે.

તેમના 5 સંતાનો પૈકીનો મોટો દીકરો તા 5 જૂનના રોજ ભમ્મર-ઘોડા દર્શન કરવા જાઉં છું. તેમ કહીને સવારે ઘરેથી બાઈક લઈ નીકળેલો યુવાન મનહર રમણભાઈ રાવળ ઉ વર્ષ 22 રહે પોઇચા(રાણીયા) તા. સાવલીનું ગળતેશ્વરથી સાંજે પરત ઘરે આવતી વેળાએ 5-30 વાગ્યાના અરસામાં ડેસર તાલુકાના વરસડા પાસેના આંતુ ના મુવાડા ગામ પાસેના વળાંકમાં ડમ્પર નંબર GJ 7YZ9181ના ચાલકે પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી મોટરસાયકલ GJO6 MQ 9682ના ચાલક યુવાનને અડફેટે લેતા માથા અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

અકસ્માત થતા વેંત 108 એમ્બ્યુલન્સ દ્વારા આશાસ્પદ યુવાન મનહર રાવળને ડેસર સરકારી દવાખાને ખસેડાયો હતો. જ્યારે વધુ સારવાર અર્થે વડોદરા એસએસજીમાં રિફર કરાયો હતો. અકસ્માતની જાણ વરસડા ખાતે રહેતા ભાણેજ સુનિલ રાવળે રમણભાઈ રાવળને ટેલીફોનીક જાણકારી આપીને જણાવ્યું હતુ કે તમારા દિકરાનુ આતું ના મુવાડા પાસે ડમ્પર ટ્રક સાથે અકસ્માત થયો છે. માં-બાપ ને જાણ થતા તેઓ બેબાકળા બનીને અકસ્માતના સ્થળે જઇ ડેસર સરકારી દવાખાને દોડી આવ્યા હતા. ત્યાંથી જાણવા મળ્યું હતું કે તેમના દીકરાને વડોદરા એસએસસી દવાખાને લઈ જવાયો છે.

પોતાના દીકરા મનહરને નિહાળવા માટે માં- બાપ હાફલા ફાફલા થઇ વડોદરા પહોંચ્યા ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું અને સારવાર દરમિયાન તેમના મોટા દિકરા મનહરનુ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. SSGના પીએમ રૂમમાં દિકરાનો મૃતદેહ જોઈને મા-બાપ ચોધાર આંસુએ રડી પડ્યા હતા.અકસ્માત કરીને ડમ્પર ચાલક વાહન ધટના સ્થળે મુકીને ભાગી છુટ્યો હતો. પિતા રમણભાઈ રાવળની ફરિયાદના આધારે ડેસર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...