અકસ્માત:કારે બાઇકને અડફેટે લેતાં યુવાનનું મોત

ડેસર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટી વરણોલીનો યુવાન ડેસરમાં ATMમાંથી પૈસા ઉપાડી પરત આવતો હતો
  • જુવાન જોધ દીકરાનું મોત થતાં પરિવાર ઉપર આભ ફાટ્યું : કાર સવાર ફરાર

ડેસર ખાતે એટીએમમાં પૈસા ઉપાડી પરત મોટી વરણોલી જતા માર્ગમાં મોત મળી ગયું હતું. ડેસરના 66 કે.વી વળાંક પાસે ગત રાત્રે કાર ચાલકે બાઈક ચાલક યુવાનને અડફેટે લેતા મોત નીપજ્યું હતું. ડેસર તાલુકાના મોટી વરણોલીમાં રહેતા અજય કુમાર નરવતભાઈ ઉર્ફે શંકરભાઈ પરમાર (ઉં, વ 24) ગતરોજ સાંજે સાડા છ વાગ્યાના અરસામાં તેની પાસે પૈસા ન હોવાથી તે ફળિયામાં રહેતા તેના મિત્રની પલ્સર બાઈક લઈને ડેસર ખાતે એટીએમમાં પૈસા ઉપાડવા આવ્યો હતો.

પોતાનું કામ પતાવીને રાત્રે 8 વાગ્યાના અરસામાં ઘરે પરત જતો હતો. તે દરમિયાન 66 કે.વી વળાંક પાસે સાવલી તરફથી પૂર ઝડપે આવતી મારુતિ સુઝુકી અલટીકા કારના ચાલકે પલ્સર બાઈક લઈને આવતા અજય પરમારને અડફેટે લેતા તે ઉછળીને માર્ગ પર પટકાયો હતો. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના લોકો તુરંત ધટના સ્થળે દોડી આવ્યા હતા. અજય પરમારને માથામાં, છાતીમાં, પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક 108 ઈમરજન્સી વાન મારફતે ડેસર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો.

પરંતુ ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. અકસ્માત થતા વેંત કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની જાણ ડેસરના કમલેશ પરમારે મોટીવરણોલી રહેતા વનરાજસિંહને કરતા મૃતક યુવાનના પિતા સહિત પરિવારજનો ગ્રામજનો ડેસર સરકારી દવાખાને દોડી આવ્યા હતા. ત્યારે એક કલાક પહેલા જ્યારે પોતાને મળીને ગયેલા દીકરાને મૃત હાલતમાં જોતા પરિવારજનો પર આભ ફાટ્યું હતું. ડેસર પોલીસને જાણ કરાતા ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...