ડભોઇ જીઆઈડીસી ખાતે આવેલ પારલે બિસ્કિટ અને શ્રીહરી નમકીનના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં અફરા તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. જો કે સમગ્ર બનાવ માં કોઈ જાનહાનિ થવા પામી નથી. જ્યારે સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.
ડભોઇ નગરપાલિકાના માજી સદસ્ય લખુભાઇ મોરવાણી શ્રીહરિ નમકીન તથા પારલેની એજન્સી ધરાવી સમગ્ર તાલુકામાં ધંધો કરે છે. ડભોઇ જીઆઇડીસી ખાતે તેઓનું ગોડાઉન આવેલું હતું. જેમાં શનિવારે બપોરના 12:00 અચાનક આગ લાગતા જીઆઈડીસીમાં અફરાતફરીનો માહોલ મચી ગયો હતો. શરૂઆતમાં આગ લાગતા જીઆઇડીસીના આજુબાજુના કામદારો તથા ગોડાઉનના કામદારો દ્વારા આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો.
પરંતુ આગે અચાનક વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ડભોઇ નગરપાલિકાના બે ફાયર ફાઈટરને તાત્કાલિક બોલાવી પાણીનો મારો શરૂ કર્યો તેમ છતાં પણ આગ કાબૂમાં ન આવી. તેથી વડોદરાના ફાયર ફાયટરોને બોલાવવાની ફરજ પડી હતી. આ તમામ ફાયર ફાયટરોએ સતત 3 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવાયો હતો. જો કે સમગ્ર બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ગોડાઉનમાં મુકેલ એક એક્ટિવા સહિત એક મોટરસાઇકલ અને બિસ્કિટ તેમજ ફરસાણના પડીકા બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા. જ્યારે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.