તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:નર્મદાના નીરથી વઢવાણા સિંચાઇ તળાવ ભરાયું, ગુરુવારે 170 ફૂટ થયું

ડભોઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડાંગરના પાકને જીવતદાન આપી ઘર ક્રાંતિથી કૃષિ ક્રાંતિનું અનોખુ ઉદાહરણ ધારાસભ્યે પૂરુ પાડ્યું. - Divya Bhaskar
ડાંગરના પાકને જીવતદાન આપી ઘર ક્રાંતિથી કૃષિ ક્રાંતિનું અનોખુ ઉદાહરણ ધારાસભ્યે પૂરુ પાડ્યું.
  • ચાલુ વર્ષે ડભોઇમાં ગત વર્ષની સરખામણીમાં હજુ 313 એમએમ જેટલો ઓછો વરસાદ
  • તાલુકાના 89 તળાવો પૈકી માત્ર વઢવાણા તળાવમાં જ પાણી બાકીના તમામ તળાવ ખાલી

ડભોઇ પંથકમાં વરસાદની અછત વચ્ચે વઢવાણા સિંચાઈ તળાવ આશીર્વાદરૂપ પુરવાર થયું છે. વિસ્તારના ધારાસભ્યના જળક્રાંતિથી કૃષિક્રાંતિના અથાગ પ્રયત્નોથી નર્મદાના નીરથી તળાવ ભરાતાં 22 ગામોની ડાંગરના પાકને જીવનદાન મળ્યું છે. જેને લઈ વિસ્તારના ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી છે. ડભોઇ પંથકમાં ગત વર્ષની સરખામણીમાં વરસાદની મોટી અછત વર્તાતી જોવા મળી છે. ગત વર્ષે 2 સપ્ટેમ્બર સુધીમાં 792 એમએમ વરસાદ હતો તેની સામે ચાલુ સાલે માત્ર 419 એમ એમ જ વરસાદ એટલે કે ગત વર્ષ કરતાં 313 એમએમ ઓછો છે.

જેથી ડભોઇ પંથકમાં ખરીફ પાકોમાં ખેડૂતો દ્વારા વાવણી કરાયેલ કપાસ, સોયાબીન, દિવેલા, તુવર અને ખાસ કરીને ડાંગરના પાકો નિષ્ફળ જવાના આરે આવીને ઉભા હતા. ઉલ્લેખનીય છે કે વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતાએ કૃષિ મંત્રીને પાકો બિલકુલ નિષ્ફળ ગયા હોઇ તેનો સર્વે કરી ખેડૂતોને વળતર આપવા બાબતની માંગ પણ કરી છે. દુષ્કાળના ડાકલા વચ્ચે એક આશા ડાંગરના પાકોને બચાવવાની માત્ર ને માત્ર આ વઢવાણા સિંચાઈ તળાવ પર જ આવીને અટકી હતી.

જેથી વઢવાણા તળાવના કમાન્ડ એરિયામાં આવતા ખેડૂતોએ ડાંગરનો પાક બચાવવા માટે ધારાસભ્ય શૈલેષ મહેતાને રજૂઆત કરતાં તેઓએ સરકારમાં ધારદાર રજૂઆત કરી વઢવાણા સિંચાઈ તળાવમાં નર્મદાના નીર ઠાલવી તળાવની સપાટી હાલ 173 ફૂટ સુધી ભરી દેતાં હવે ડાંગરના પાકને કોઈપણ પ્રકારની આંચ આવે નહીં નો હાશકારો ખેડૂતોને થતાં તેઓમાં આનંદની લાગણી જોવા મળી છે. ડભોઇ તાલુકાના 119 ગામો પૈકી 89 જેટલા ગામ તળાવ છે.

જેમાં ઐતિહાસિક તેન તળાવ સહિત તમામ તળાવો આજે પણ ખાલીખમ છે. આ ગામોમાં તળાવનો ઉપયોગ મોટેભાગે પશુધન તેમજ કપડાં વાસણ ધોવાના વપરાશ માટે થતો હોય છે. તળાવ ભરવાના અન્ય કોઈ સ્કોપ ન હોવાથી ગ્રામજનો આજે પણ વરસાદની કાગડોળે રાહ જોઈને બેઠા છે.

અન્ય સમાચારો પણ છે...