ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામે ગત સાંજના લીંગસ્થળી માર્ગ પર આવેલ લખનની દુકાન પાસે બાઈક પર બેઠેલા યુવાનને પોતાની પૂર્વ પત્ની સાથે આડા સબંધના વહેમમાં બે અજાણ્યા ઇસમોની મદદથી છરાના તીક્ષ્ણ ઘા મારી લોહીલુહાણ કરી દેતા બનાવની ડભોઇ પોલીસને ફરિયાદ આપતા પોલીસે ફરિયાદ આધારે ત્રણેય આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ડભોઇ પોલીસમાંથી મળતી માહિતી મુજબ ફરિયાદી ભરતભાઇ ઉર્ફે ડુંગર અશોકભાઇ વસાવા રહે.ગણેશપુરી,કાયાવરોહણ તા.ડભોઇની ફરિયાદમાં જણાવ્યા મુજબ ગતરોજ સાંજના કાયાવરોહણ લીંગસ્થળી માર્ગ પર દુકાન પાસે પોતાની બાઈક સ્ટેન્ડ કરી તેના પર બેઠો હતો. ત્યારે કાયાવરોહણ ગામનો અનિલ ભુપેન્દ્રભાઇ વસાવા બે અજાણ્યા ઇસમોની સાથે ત્રણ સવારી બાઈક પર આવી ભરત વસાવાને બાઈક પરથી નીચે ઉતારી બે ઇસમોએ તેના હાથ પકડી રાખ્યો હતો. જ્યારે અનિલ ભુપેન્દ્રભાઇ વસાવાએ તેની પાસેના છરાથી તીક્ષ્ણ ઘા ગળા પર અને પાંસળીની નીચેના ભાગે કરતા ભરત વસાવા લોહીલુહાણ હાલતમાં જમીન પર ફસડાઇ પડ્યો હતો.
હુમલો કરવા પાછળનું કારણ અનિલ વસાવાની પૂર્વ પત્ની સરોજ સાથે ભરતને સબંધ હોવાની વાતનો વહેમ રાખી હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. છરાથી હુમલો કર્યા બાદ ત્રણેય આરોપીઓ ભાગી છૂટ્યા હતા. જ્યારે ગંભીર રીતે ઘાયલ ભરતને કાયાવરોહણ CHCમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો. ડભોઇ પોલીસે જીવલેણ હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી બાબતની ફરિયાદ લઈ ત્રણેય ઇસમોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.