ડભોઇના વેગા ત્રિભેટથી સરીતાનગર રેલ્વે ફાટક થઈ છેક નાદોદી ભાગોળ ત્રણ રસ્તા સુધીની ડભોઇ તિલકવાડા માર્ગની સ્ટ્રીટ લાઇટો પાછલા બે માસથી સદંતર બંધ થઈ જતા સ્ટેચ્યૂ ઓફ યુનિટી જતો મુખ્યમાર્ગ અંધરામાં ખોવાઇ જવા પામ્યો છે. માર્ગ મકાન વિભાગ અને ડભોઇ નગર પાલિકા એક બીજાને ખો આપી રહ્યા હોય સ્ટ્રીટ લાઇટો ચાલુ થતી ન હોય માર્ગની આજુબાજુની સોસાયટીઓમાં રહેતા લોકોને ખુબજ મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે.
ડભોઇની ફરતે વેગાથી નાદોદી ભાગોળ સુધી બાયપાસ સ્ટેચ્યૂ ઓફ યુનિટી તરફ જતા રાજધોરી માર્ગ પર સ્ટ્રીટ લાઇટો નાખવામાં આવી હતી. ત્યારથી જ તેનુ લાઇટબીલ નગરપાલિકા ભરશે કે માર્ગ મકાન વિભાગ ભરશેનો વિવાદ અને ચર્ચાઓ જાગી હતી. થોડો સમય ચાલુ રખાયા બાદ સ્ટ્રીટ લાઇટના કનેક્શન કપાઇ જવા પામ્યા હતા. જેનો ઉહાપોહ થતા પાલિકાએ ફરી નેતાઓની દરમિયાનગીરીથી ચાલુ કરાવી હતી. પરંતુ પાછલા બે માસથી ફરી નગરપાલિકાએ આ સ્ટ્રીટ લાઇટોનું કનેક્શન કપાવી નાખી તેનો ઠરાવ કરી બાયપાસ માર્ગની સ્ટ્રીટ લાઇટોનું ભારણ નગરપાલિકાને સ્વીકાર્ય નથી.
તેવો ઠરાવ કરી દઈ રાજધોરી માર્ગની સ્ટ્રીય લાઇટોનું કનેક્શન કપાઇ જતા પાછલા બે માસ જેટલા સમયથી સાંજ પડતા જ આ વિસ્તારોની 30થી વધુ સોસાયટીઓની મહિલાઓને બહાર નિકળવું મુશ્કેલ થઈ ગયુ છે. ગાઢ અંધકારને મોટા ભારદારી વાહનોની અવરજવરથી ધમધમતા માર્ગ પર ચાલવુ ભયજનક સાબિત થઈ રહ્યુ છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી, પોઇચા સ્વામિનારાયણ આશ્રમ તેમજ ચાંણોદ અને કરનાળી કુબેર મંદિરે દર્શન કરવા જતા લોકો સહિત રોજીંદા વાહનોની અવર જવરથી ધમધમતા મુખ્યમાર્ગ પર સ્ટ્રીટ લાઇટોનું અજવાળુ હોવુ ખુબ જ જરૂરી બની ગયું છે.
ત્યારે ડભોઇ નગરપાલિકાએ પોતાની જવાબદારીમાં આવતી કામગીરીથી હાથ ઉંચા કરવાને બદલે લોકોને સુવિધાઓ આપી દુવિધા મુક્ત કરી સૌનો સાથ સૌનો વિકાસ સરકારના સૂત્રને સાર્થક કરવું રહ્યુ. નહીતર વિકાસના સમના સ્ટ્રીટ લાઇટોના અંધકાર સમાન સાબિત થાય તો નવાઇ નહી.
સ્ટ્રીટ લાઇટોનું ભારણ અમને સ્વીકાર્ય નથી
હા દોઢ માસથી સ્ટ્રીટ લાઇટો બંધ કરી છે. ગત બોર્ડમાં ઠરાવ કરી બાયપાસ માર્ગ પર લગાવાયેલ સ્ટ્રીટ લાઇટોનું ભારણ અમને સ્વીકાર્ય નથી. ઠરાવ કરાયો હોવાથી સ્ટ્રીટ લાઇટોનું કનેક્શન કપાયું છે. જે ફરી ચાલુ કરાવા માટે પાલિકામાં ઠરાવ કરવો પડે. - એસ.કે.ગરવાલ, ચીફ ઓફિસર, ડભોઇ નગરપાલિકા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.