તસ્કરી:તરસાણામાં ટ્રેક્ટરમાંથી ડીઝલ ચોરી ટેન્કમાં પાણી ભરીને તસ્કરો ફરાર

ડભોઇ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતના ટ્રેક્ટરની ટેંકમાંથી 50 લિટર ડીઝલ તસ્કરો ચોરી કરી ગયા

ડભોઇ તાલુકાના તરસાણા ગામે રહેતા ખેડૂતના ટ્રેક્ટરની ડીઝલ ટેંકમાં 50 લીટર ડીઝલ હતું. જે ડીઝલ રાત્રીના કોઇ અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હતા. એટલુ જ નહી ડીઝલ ચોરી કર્યા બાદ તસ્કરોએ ટ્રેક્ટરની ડીઝલ ટેંકમાં પાણી ભરી દીધું હતું. જેથી ખેડૂતને ડીઝલ ચોરી સાથે પાણીના ભરાવાથી મોટુ નુકસાન પણ થવા પામ્યુ હોય આ અંગેની ભોગ બનનાર ખેડૂતે પોલીસને ફરિયાદ આપવા તજવીજ હાથ ધરી છે.

ડભોઇ તાલુકાના તરસાણા ગામે રહેતા ખેડૂત પટેલ રજનીકાંતભાઇ ફુલજીભાઇ ખેતી કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. ખેડૂત રજનીકાંત પટેલે બેંકમાંથી લોન મેળવી નવુ ટ્રેક્ટર વસાવ્યું હતું. જેમાં તેઓ પોતાની ખેતીકામમાં ટ્રેક્ટરનો વપરાશ કરવા સાથે અન્ય ખેડૂતોને પણ ભાડે આપી પેટીયું રળતા હતા.

ત્યારે ટ્રેક્ટરની ડીઝલ ટેંકમાંથી કોઇ અજાણ્યા તસ્કરોએ રાત્રીના ડીઝલની ચોરી કરી ડીઝલ ટાંકીમાં પાણી ભરી જતા રહ્યા હતા. સવારમાં ખેડૂતે ટ્રેક્ટર ચાલુ કરતા ટ્રેક્ટર ચાલુ ન થતાં કારીગરને બોલાવી બતાવતા ટેંકમાં ડીઝલને બદલે પાણી ભરેલ હોવાનું ફલિત થતા ડીઝલ ચોરીની આખી ઘટના પ્રકાશમાં આવતા ગામના અન્ય ખેડૂતોએ પણ પોતાના ટ્રેક્ટરોમાં તપાસ કરવા લાગ્યા હતા. અજાણ્યા તસ્કરોએ ખેડૂતને મોટુ નુકસાન પહોંચાડતા ખેડૂતે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હોવાનુ જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...