પાછલા કેટલાક વર્ષોથી રખડતા પશુઓ ડભોઇ નગરમાં જીવલેણ અકસ્માતો માટે નિમિત્ત બની રહ્યા હતા. બે દિવસ પર નાદોદી ભાગોળ પાસે ગાય સાથે અકસ્માત થતા યુવક મોતને શરણ થયો હતો. જેથી નગરપાલિકા દ્વારા પશુપાલકો, પાંજરાપોળના વહીવટ કરતાના સહકારથી ગતરાત્રે રખડતા પશુઓને પકડવાની ઝુંબેશ ચલાવી 35 જેટલા પશુઓ સાર્વજનિક પાંજરાપોળને હવાલે કરાતા નગરજનોને મહદઅંશે રાહત થવા પામી હતી. જો કે હજી પણ કેટલાક પશુઓ માર્ગો પર રખડી રહ્યા હોય આગળ પણ કામગીરી કરાશેનું જાણવા મળેલ છે.
ડભોઇ નગર પાલિકા પ્રમુખ કાજલબેન દુલાણી,કારોબારી ચેરમેન વિશાલકુમાર શાહ,ચીફ ઓફીસર એસ.કે.ગરવાલ,સત્તાપક્ષના નેતા બિરેનકુમાર શાહ સહિતના હોદ્દેદારોએ તાત્કાલીક મીટિંગ બોલાવી નગરમાં જીવલેણ અકસ્માતો માટે નિમિત્ત બનતા રખડતા પશુઓને માર્ગો પરથી હટાવવાનો ઠરાવ કરી સાર્વજનિક જૈન પાંજરાપોળના પ્રમુખ ડૉ.રાકેશ જૈન નો સંપર્ક કરી રખડતા પશુઓને પાંજરાપોળમાં મુકાવા સહકાર માગ્યો હતો. તેમજ પશુઓને પાંજરાપોળમાં રાખવા તેમજ ઘાસચારા, પાણીની વ્યવસ્થા કરવા તેમજ નિભાવખર્ચ સહિતની પાંજરાપોળ દ્વારા તૈયારી બતાવતા પાંજરાપોળમા પશુઓને મુકવાનો નિર્ણય કરાયો હતો.
એટલું જ નહી જો કોઇ પશુપાલક પકડાયેલ પશુ છોડાવા આવે તો રૂપિયા 1000 દંડ તેમજ રોજના 70 રૂપિયા લેખે નિભાવખર્ચ વસૂલ કરાશેનું જણાવ્યુ હતું. જેમાં નગરના પશુપાલકોના સથવારે તેમજ નગર સેવકોના સહયોગથી રખડતા પશુઓને એકજ દિવસમાં પાંજરાપોળમા મુકાવા માટેનું અભિયાન રાત્રીના હાથ ધરાયું હતું. જેમાં 35 જેટલા પશુઓને રાત્રીના જ પાંજરાપોળના હવાલે કરાતા નગરજનો, રાહદારીઓ અને વાહનચાલકોને રાહત થવા પામી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.