ડભોઇ પંથકમાં ખાનગી શાળાઓ તેમજ સરકારી સ્કૂલો અને કોલેજો આવેલ છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે અહીં આવતા હોય છે. ગ્રામ્ય વિસ્તારમાંથી ડભોઇ આવવા માટે એસટી બસનો સહારો લેવો પડે છે. જેથી વિદ્યાર્થીઓને એસટી બસના પાસ કઢાવવાના હોય છે. દિવાળી પછી બીજું શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ વિદ્યાર્થીઓ પોતાના ગામથી ડભોઇ હાઇસ્કૂલ આવવા માટે ડભોઇ ડેપોમાં પાસ કઢાવવા આવતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાય દિવસોથી એસટી બસનો પાસ મેળવવા માટે વિદ્યાર્થીઓને ઘણી હાડમારી વેઠવી પડે છે.
ડભોઇ એસટી ડેપો પર પાસ મેળવવા માટે ફક્ત એક જ બારી છે જેના કારણે કલાકો સુધી વિદ્યાર્થીઓને લાઈનમાં ઊભું રહેવું પડે છે. આના કારણે તેમને અભ્યાસ પણ છોડવાનો વારો આવે છે. વડોદરા જિલ્લામાં એ ગ્રેડના એસટી ડેપો તરીકે ડભોઇ ડેપોનું નામ છે પરંતુ માત્ર હવે નામ જ રહ્યું છે. કેટલીક વાર તો સર્વર બંધ હોવાથી કાં તો પછી સર્વર બંધ ચાલુ થતું હોવાથી એસટી બસનો પાસ કઢાવવા આવેલ વિદ્યાર્થીઓને અને મુસાફરોને ધક્કો પડે છે અને વિલા મોઢે પરત ફરવાનો વારો આવે છે. ગુજરાત સરકાર દ્વારા એસટી બસની પાસની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે વિવિધ જાહેરાતો કરાય છે પરંતુ આ જાહેરાતનું પરિણામ શૂન્ય છે. કારણ કે ડેપોમાં વારંવાર સર્વર બંધ હોવાથી કે ધીમું ચાલતું હોવાથી મુસાફરોને અટવાવાનો વારો આવે છે.
આ અંગે વારંવાર ઉચ્ચ અધિકારીને રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ યોગ્ય પગલાં ભરાયા નથી. ગુજરાત એસટી નિગમ બોર્ડ દ્વારા સત્વરે ડભોઇ ડેપોમાં વિદ્યાર્થીઓના એસટી બસના પાસ અને મુસાફરોના એસટી બસના પાસની બે અલગ અલગ બારીઓ શરૂ કરાય તો જ આ સુવિધા દરેકને મળી શકે તેમ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.