વડોદરા:આધેડના રહસ્યમય મૃત્યુ બાદ અંતિમ સંસ્કારની તૈયારી વખતે પોલીસ પહોંચી, મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલીને કાર્યવાહી હાથ ધરી

વડોદરા2 વર્ષ પહેલા
  • કોઇ વ્યક્તિએ આધેડનું મોત કુદરતી રીતે ન થયું હોવાની પોલીસને જાણ કરતા પોલીસ પહોંચી ગઇ હતી

વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં પરિવાર સાથે રહેતા આધેડનું મંગળવારે રાત્રે રહસ્યમય મોત નીપજ્યું હતું. પરિવારજનો દ્વારા બુધવારે સવારે તેઓની અંતિમ સંસ્કારની તૈયારી કરવામાં આવી રહી હતી. જોકે, પોલીસને આધેડનું મોત શંકાસ્પદ છે. તેવી માહિતી મળતા પોલીસ મૃતકના ઘરે પહોંચી ગઇ હતી. અને અંતિમ વિધીની કાર્યવાહી અટકાવી દીધી હતી. અને લાશને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપીને તપાસ શરૂ કરી છે.  

અંતિમ સંસ્કાર માટે નનામી કાઢે તે પહેલા વારસીયા પોલીસ ઘરે પહોંચી ગઇ
વડોદરા શહેરના વારસીયા સંતકવર સોસાયટીમાં રહેતા દિલીપ ગુલાબરાય ઠક્કર (ઉં.56) પત્ની અનિતાબહેન અને પુત્ર જીમી સાથે રહેતા હતા. દિલીપભાઇ છેલ્લા કેટલાક સમયથી લિવરની બિમારીથી પીડાતા હતા. અને મંગળાવારે રાત્રે તેઓનું રહસ્યમય મોત નિપજ્યું હતું. બુધવારે સવારે પરિવારજનો દ્વારા તેઓની અંતિમ સંસ્કારની તૈયારી કરવામાં આવી રહી હતી. દિલીપભાઇનું મોત નીપજતાં ડાઘુઓ પણ અંતિમ યાત્રા માટે આવી પહોંચ્યા હતા. પરંતુ, પરિવારજનો દિલીપભાઇની અંતિમ સંસ્કાર માટે નનામી કાઢે તે પહેલાં વારસીયા પોલીસ ઘરે પહોંચી ગઇ હતી. અને લાશનો કબજો લઇ લાશને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી.

માહિતી આપનારે કહ્યું કે, દિલીપભાઇનું મોત કુદરતી રીતે થયું નથી
વડોદરા શહેર પોલીસ કંટ્રોલને કોઇ અજાણી વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું હતું કે, વારસીયા સંતકવર સોસાયટીમાં દિલીપભાઇ ઠક્કર નામની વ્યક્તિનું મોત નીપજ્યું છે અને પરિવારજનો દ્વારા તેઓની અંતિમ સંસ્કારની તૈયારી કરવામાં આવી રહી છે. માહિતી આપનારે તેવી પણ માહિતી આપી હતી કે, દિલીપભાઇનું મોત કુદરતી રીતે થયું નથી. પરંતુ, દિલીપભાઇનું મોત શંકાસ્પદ છે. કંટ્રોલ દ્વારા તુરંત જ આ મેસેજ વારસીયા પોલીસને આપવામાં આવ્યો હતો. વારસીયા પોલીસ મૃતક દિલીપભાઇના ઘરે પહોંચી ગઇ હતી. અને દિલીપભાઇની અંતિમ વિધી કાર્યવાહી અટકાવી હતી. 

પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મરણનું ચોક્કસ કારણ બહાર આવશે
રહસ્યમય મોતને ભેટેલા દિલીપભાઇ ઠક્કરની તપાસ વારસીયા પોલીસ મથકના PSI બી.એસ. જાડેજા કરી રહ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, દિલીપભાઇ ઠક્કર છેલ્લા 5 વર્ષથી લિવરની બિમારીથી પીડાતા હતા. અને છેલ્લા એક માસથી પથારીવશ હતા. તેઓનું મંગળવારે રાત્રે મોત નીપજ્યું હતું. મૃતકની લાશની પ્રાથમિક તપાસમાં માથામાં અને આંખ નજીક ઇજાના નિશાન જણાઇ આવ્યા છે. પરંતુ, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મરણનું ચોક્કસ કારણ બહાર આવશે. હાલ આ બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ કરવામાં આવી રહી છે. 

અન્ય સમાચારો પણ છે...