ડભોઇ નગરની મધ્યમાં આવેલ ઐતિહાસિક ગામ તળાવ રાજા વિશાળદેવનું સ્વપ્નના ઝરોખા સમાન તળાવ હતું. એક સમયે તળાવ કિનારે હવાખાવા અને તળાવ કિનારાનો આનંદ માનવા રાજાએ સપ્તમુખી વાવ બનાવડાવી ત્યાં પોતાના કાફલા સાથે બેસી આનંદની પળો ગાળતા હતા. જ્યારે હાલના શાસકોએ વિશાળદેવના સ્વપ્ના ચકનાચૂર કરી ગામ તળાવની ખસ્તા હાલત કરવા સાથે તળાવ અને કિનારો પારાવાર ગંદકીની ગરતામાં ધકેલી દેતા નગરજનોમાં ભારે રોષા જોવા મળી રહ્યો છે.
ભારતીય પુરાતત્વ વિભાગમાં આવેલુ ડભોઇ નગરના ગામ તળાવની જાળવણી અને માવજતની જવાબદારી ડભોઇ નગર પાલિકાની છે. સુંદર અને મજબૂત પત્થરોની ચારેબાજુ બાંધણી કરી ડભોઇ નગરની મુખ્ય ઉંચાઇથી 20 ફૂટ ઊંડુ તળાવ બનાવેલ હતું. જે તળાવ નગરજનોને પીવાના પાણી માટે, રોજીંદા કામ અને પશુઓને પીવાના પાણી ન સુખાકારી માટે બનાવેલ હતું. નગરજનોએ તેનો ઉપયોગ પણ એ રીત જ કર્યો હતો.
રાજા રજવાડાઓના રાજપાટ ગયા બાદ જાહેર મિલકતોની જાળવણી, માવજત અને જવાબદારી સ્થાનિક સંસ્થાઓથી માંડીને રાજ્ય અને કેન્દ્ર સરકારની બની જવા પામી હતી. પરંતુ સ્થાનિક સંસ્થા દ્વારા બેદરકારી રખાતા એક સમયનું રાજા વિશાળદેવના સ્વપ્નાનું સુંદર ઝરોખા સમાન ગામ તળાવ આજે જાહેર શૌચાલય બની જવા પામ્યું છે. પાલિકાની ધરાર બેદરકારીને કારણે તળાવ અને તળાવનો કિનારો પારાવાર ગંદકીથી ખદબદી રહ્યા છે.
શાક માર્કેટ મૂળ જગ્યાએ શરૂ કરવાનું હોવાથી સફાઈનો કોન્ટ્રાક્ટ અપાશે
ડભોઈના ઐતિહાસિક ગામ તળાવ અને કિનારાની સફાઈ ઉતરાયણ બાદ કોન્ટ્રાક્ટ દ્વારા શરૂ કરશે. અગાઉ તળાવ કિનારે શાક માર્કેટ હતું. જેને ફરી તેની મૂળ જગ્યાએ શરૂ કરવાનું હોવાથી તળાવ કિનારાની સફાઈના કોન્ટ્રાક્ટ બાબતે બિરેનભાઈ સાથે વાત થઈ ગઈ છે. - કાજલબેન દુલાની, ડભોઈ પાલિકા પ્રમુખ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.