પાણીથી વંચિત:ડભોઇના 118 ગામમાં મોટાભાગના હેન્ડપંપ સમારકામ વિના શોભારૂપ

ડભોઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણી પુરવઠા તંત્ર દ્વારા વાર્ષિક કોન્ટ્રાક્ટ તો અપાય છે પણ તે ફક્ત કાગળ પર જ રહે છે
  • હાલ 50 હેન્ડપંપ બંધ હાલતમાં છે ત્યારે તાત્કાલિક સર્વે કરાવી હેન્ડપંપોનું સમારકામ થાય તેવું લોકો ઇચ્છે છે
  • 1.5 લાખથી વધુની વસ્તી પૈકી 50000થી વધુ લોકો પાણીથી વંચિત

ડભોઇ તાલુકાના વિવિધ ગામોમાં પાણી મળી રહે તે માટે પાણી પુરવઠા તંત્ર દ્વારા નાનકડા બોર તાત્કાલિક અસરથી ખોદી હેન્ડપંપ વડે પાણી પૂરું પાડવામાં આવે છે. અંતરિયાળ ગામો હોય કે પછી વિસ્તારો ત્યાંના કેટલાય હેન્ડપંપો સમારકામના અભાવે આજે શોભાના ગાંઢિયા સમાન થઈ ગયા છે. કેટલાક વિસ્તારોમાં ડંકીઓ બિસમાર હાલતમાં છે, ત્યારે બપોરના સમયે કોઈને પાણી પીવું હોય તો હાલાકી વેઠવી પડે છે.

ડભોઇના 118 ગામોમાં પીવા તેમજ વાપરવા માટે હેન્ડ પંપ (ડંકીઓ) મૂકી પાણી પહોંચાડવામાં આવતું હતું. હાલ આ ડંકીઓ બિસમાર અને શોભાના ગાંઢિયા સમાન પડી છે. જ્યાં મોટા પુર ટેટુ વેલ ખોલવાનું શક્ય ના હોય અને ટૂંકા ખર્ચે જ પાણી પહોંચાડવાનું હોય ત્યાં તાત્કાલિક અસરથી પાણી પુરવઠા દ્વારા જ નાનકડા બોર ખોદી તેની પર હેન્ડ પંપ મૂકી પ્રજાની સુખાકારી માટે પાણી પૂરું પાડવામાં આવે છે. હાલ આ હેન્ડપંપો નંખાયા બાદથી વાર્ષિક કોન્ટ્રાકથી કોન્ટ્રાક્ટરને સમારકામના કોન્ટ્રાક્ટ પણ આપી દેવામાં આવે છે.

પરંતુ કોન્ટ્રાક્ટરો તેમજ લાગતા વળગતા અધિકારીઓની મિલીભગતથી આ હેન્ડપંપોનું સમારકામ માત્ર કાગળ પર જ ઘોડા દોડતા હોય તેમ જોવા મળે છે અને વાસ્તવમાં આ હેન્ડપંપ સમારકામના અભાવે જ શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે. નાગડોલ જેવા ગામમાં તો માત્ર બે જ હતા અને બંનેે પમ્પ આ જ કારણે બંધ હાલતમાં છે. હાલ પંથકમાં ગરમીનો પારો આજે પણ 42 ડિગ્રી બતાવી રહ્યો છે. ત્યારે બપોરના સમયે પશુઓને પણ પાણી માટે હાલાકીનો સામનો કરવો પડે છે.

એક તરફ જ્યારે તાલુકાના 86 તળાવ સુકાઈ ગયા છે, ત્યારે માત્ર આ એક આધાર એવી ડંકીઓ ચાલુ હોય તો પશુઓ અને માનવ જીવનને પાણી મળી રહે તેમ છે. પાણી પુરવઠા વિભાગ તાલુકાની વસાહતો, ગામડાઓ, અંતરિયાળ ગામડાં તેમજ છેવાડાના વિસ્તારના ગામડાઓમાં ખરા ટાણે જ બંધ થઈ ગયેલા આ હેન્ડપંપોનો તાત્કાલિક સર્વે કરાવી તેની મરામત કરાવે તેવી ગ્રામ્ય વિસ્તારના રહીશોની માગ છે. વિવિધ ગામોની અંદર 50 જેટલા હેન્ડપંપ હાલ બંધ હાલતમાં છે. સરકાર દ્વારા ડંકી તો બનાવી દેવામાં આવી છે પણ તેની જાળવણી થતી નથી. આથી આ વિસ્તારના લોકો દ્વારા વહેલી તકે બંધ ડંકી ચાલુ થાય તેવી માગ કરવામાં આવી છે.

છેલ્લા 2 વર્ષથી અસગોલ સહિતના 3 હેન્ડપંપ બંધ હાલતમાં
અમારા આસગોલ તેમજ આજુબાજુના ગામડાઓમાં હેન્ડપંપો મળી 3 હેન્ડપંપ મૂકવામાં આવેલા છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી તેનું સમારકામ કરવામાં આવ્યું નથી. છેલ્લા 2 વર્ષથી સમારકામના અભાવે આ હેન્ડપંપો બંધ હાલતમાં છે. જેના કારણે હાલ ભર ગરમીમાં લોકોને ઉપરાંત પશુઓને પણ પાણી માટે રઝળવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. વિવિધ ગામોની અંદર 50થી વધુ હેન્ડપંપો આ રીતે બંદ રહેતાં શોભાના ગાંઠિયા બન્યા છે. સરકાર ડંકી તો બનાવી આપે છે પરંતુ તેની જાણવણી માટે ધ્યાન આપતી નથી તે ખોટું છે. સમારકામ માટે કોન્ટ્રાક્ટ પણ અપાય છે તો પછી આવી પરિસ્થિતિ કેમ ઊભી થાય છે. > જનક બારીયા, સરપંચ, આસગોલ

અન્ય સમાચારો પણ છે...